સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા
નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, સુરતમાં PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ અનેક દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. સમગ્ર તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો.
આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો.
પ્રતિકની પૂછપરછમાં કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં આણંદમાં રહેતો કેતન દીપકભાઈ સરવૈયા, બેંગકોક (થાઈલેન્ડ)માં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા.