રાજકોટમાં મૈત્રી કરાર કરી સાથે રહેલા પૂર્વ પતિનું મહિલા પર દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની ધમકી
રાજકોટમાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી મહિલા પર તેના પૂર્વ પતિએ જ અવારનવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે યુનિ. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. ચારેક વર્ષ પહેલાં લગ્ન કર્યા બાદ સંતાન થતાં આરોપીએ છૂટાછેડા લઈ લીધાં,ફરીવાર મૈત્રી કરારમાં રહી મહિલાના ઘરે જ બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.આ બનાવ અંગે રાજકોટમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ પતિનું નામ આપતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણીના લગ્ન મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર રહેતા યુવાન સાથે પાંચેક વર્ષ પહેલા લગ્ન થયેલ હતા.તેઓના લગ્નજીવન દરમિયાન પુત્રનો જન્મ થયેલ હતો. જે બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો થવા લાગતા બંનેએ રાજી ખુશીથી છુટાછેડા લીધા હતા. તેમજ તેમનો પુત્ર મહિલા સાથે રહેતો હતો.જે બાદ પુત્ર ત્રણ વર્ષનો થતા મહિલાનો પૂર્વ પતિ ફરીવાર તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા પુત્રની દેખરેખ રાખવા માટે આપણે બંને ફરીથી એક થઈએ, જે વાત પર મહિલાએ પણ સહમતિ આપી હતી અને બંનેએ લિવ ઈન રિલેશનશિપ કરાર કરી ફરીવાર સાથે રહેવા લાગ્યા હતા. જેમાં ગઈ તા. 17-12-2024 થી બંને સાથે રહેવા લાગ્યા હતાં.
આરોપી મહિલા સાથે તેણીના ઘરે જ રહેતો અને અવારનવાર તેણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચારતો હતો. જેથી કંટાળેલી મહિલાએ તેમને બળજબરી કરવાની વિરોધ કરતા આરોપીએ જો તેની સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તેણીને તેમજ તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.ઉપરાંત વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી હવસ ભૂખ્યો બન્યો હતો અને તેણીએ રિલેશનશિપ પણ કર્યા ન હતા તેમ છતાં પણ અગાઉ તે ધરારથી પોતાના ઘરે પહોંચી જતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. જેથી કંટાળીને પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિ. પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. એસ.ચૌહાણ અને ટીમે તપાસ આદરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.