મોટામવામાં ડેકોરેશનના ગોડાઉનમાંથી કર્મચારી એક લાખનો સોનાનો હાર ચોરી ગયો
ભાયાવદરનો શખ્સ હાર લઇ ભાગી ગયો; મોબાઇલ સ્વિચઓફ કરી નાખ્યો
કાલાવડ રોડ મોટા મવા ખાતે ડેકોરેશન કામનું ગોડાઉન ધરાવતાં મિત્ર સાથે રહેતી યુવતિનો એક લાખનો સોનાનો હાર ગોડાઉનમાં કામ કરતો ભાયાવદર રહેતો એક કર્મચારી શખ્સ યુવતિ સુતી હતી ત્યારે તેણીના ઓશીકા નીચેથી ચોરીને જતો રહેતાં યુનિવર્સિટી પોલીસે મોટા મવા મટુકી રેસ્ટોરન્ટ પાછળ ક્રિષ્ના વાયરીંગવાળી શેરીમાં બાલાજી ડેકોરેશન ગોડાઉન ખાતે રહેતાં ચાંદનીબેન વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.24)ની ફરિયાદ પરથી મુળ ઉપલેટાના ભાયાવદરના રાજ પરમાર વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ચાંદનીબેને જણાવ્યું છે કે,હું મારા મિત્ર દર્પણ રાજેન્દ્રભાઇ કથરેચા સાથે રહુ છું. મિત્ર દર્પણ બાલાજી ડેકોરેશન નામે કામ કરી ગુજરાન ચલાવે છે. તેની સાથે ત્રણ છોકરા પગારથી કામ કરે છે અને ગોડાઉન ખાતે જ રહે છે. હું દર્પણ સાથે રહું છું તેની મારા માતા-પિતાને ખબર છે. અમે ગોડાઉન ખાતે સાથે જ રહીએ છીએ.ગત તા.3/12/24ના રાતે રાજકોટ કંકોત્રી પાર્ટી પ્લોટ ખાતે ડેકોરેશનનું કામ દર્પણે રાખ્યું હોઇ તેની સાથે કામ કરતાં છોકરાઓ રાજ પરમાર, રોનક વઘેરા અને અશ્વિન વઘેરા પણ કંકોત્રી પાર્ટી પ્લોટ ખાતે ડેકોરેશન કરવા ગયા હતા. દર્પણ રાતે દસેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે ત્રણેય છોકરા પાર્ટી પ્લોટ ખાતે રોકાયા હતાં. હું અને દર્પણ સુઇ ગયા તે વખતે મેં પહેરેલો સોનાનો હાર ઓશીકા નીચે મુકી દીધો હતો. તા. 4/12ના રોજ અઢી વાગ્યે રાજ, રોનક અને અશ્વિન એમ ત્રણેય ગોડાઉન ખાતે આવ્યા હતાં. દર્પણે બીજુ ડેકોરેશનનું કામ ગોલ્ડન પાર્ટી પ્લોટ ખાતે રાખ્યું હોઇ અમે સવારે પાંચ વાગ્યે જાગી ગયા હતાં. દર્પણ કામે જવા નીકળી ગયેલ. એ પછી મેં ઓશીકા નીચે જોતાં મારો સોનાનો હાર જોવા મળ્યો નહોતો.મેં શોધખોળ કરવા છતાં ન મળતાં દર્પણને જાણ કરી હતી. એ પછી અમારી સાથે કામ કરતો રાજ પરમાર સવારે દસેક વાગ્યે અમને કીધા વગર કામ મુકી જતો રહ્યો હતો. તેને ફોન જોડતાં તે રિસીવ કરતો ન હોઇ હાર તે લઇ ગયાની શંકા ઉપજી હતી. એ પછી બીજા છોકરા અશ્વિન અને રોનકને તેણે કહેલુ કે રાજ પરમાર રાતે તમારા ઓશીકા પાસેથી કંઇક વસ્તુ લઇને પોતાના ખિસ્સામાં રાખતો હતો.આથી અમને ખબર પડી હતી કે રાજ સોનાનો હાર લઇ ગયો છે. અમે તેને સમજાવીને હાર પરત મેળવી લઇશું એમ વિચારી ફરિયાદ કરી નહોતી. પણ હવે તે ફોન ઉપાડતો બંધ થઇ જતાં ફરિયાદ કરવી પડી હતી.