કેન્સર હોસ્પિટલમાં સુપરવાઇઝરે સમયસર આવવાનું કહેતા કર્મચારીએ છરીનો ઘા ઝીંકયો
શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હાઉસકિંપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મુળ બાબરાના ખંભાળાના યુવાને એક કર્મચારીને તે મોડો નોકરીએ આવતાં સમયસર આવવાનું કહેતાં તેણે ઝઘડો કરી ગાળો દઇ બાદમાં હોસ્પિટલ નજીક પાનની કેબીન પાસે ટુવ્હીલરમાં આવી છરીથી હુમલો કરી પગમાં ઇજા પહોંચાડતાં ફરિયાદ થઇ છે.આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ કોમ્યુનિટી હોલ પાછળ જય સોમનાથ સોસાયટી તુલસી પાર્ક-11માં રહેતાં મુળ અમરેલીના બાબરા તાબેના ખંભાળા ગામના ભાવીનભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.26) નામના યુવાનની ફરિયાદ પરથી આંબેડકરનગરમાં રહેતાં ચિરાગ પ્રવિણભાઇ સોલંકી વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભાવીનભાઇએ જણાવ્યું છે કે હું હાલ રાજકોટ રહી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હાઉસકિપીંગ સ્ટાફના સુપરવાઇઝર તરીકે નોકરી કરુ છું. 21/4ના રોજ મારે હોસ્પિટલમાં નાઇટ ડયુટી હોવાથી સાંજે આઠ વાગ્યે હોસ્પિટલે હતો. આ વખતે હાઉસકિપીંગ સ્ટાફનો કર્મચારી ચિરાગ સોંકી કામ પર મોડો આવતાં મેં તેને ઠપકો આપ્યા હતો અને કહ્યું હતું કે તારે સમયસર કામ પર આવી જવું.
આ કારણે ચિરાગ ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમજ મને તેણે નીચે આવવા કહ્યું હતું પરંતુ હું નીચે ગયો નહોતો. આ પછી ચિરાગે મને ફોન કરી ગાળો દીધી હતી. જેથી મેં અમારા ફિલ્ડ ઓફિસર લલીતભાઇ શુક્લા અને ઓપરેશન મેનેજર રવિભાઇ સરવૈયાને આ બાબતની જાણ કરી હતી. આ પછી સાગરભાઇ શુક્લાએ ચિરાગને સમજાવતાં તે વખતે તે જતો રહ્યો હતો. બીજા દિવસે મંગળવારે રરમીએ ફરીથી ચિરાગે મને અવાર-નવાર ફોન કરવાનું ચાલુ કર્યું હતું અને ગાળો દેવા માંડયો હતો. તેમજ ધાકધમકી આપતાં મેં કોલ રેકોર્ડ કરી લીધા હતાં. એ પછી મેં તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
ત્યારબાદ સાંજે સાતેક વાગ્યે હું સાગરભાઇ શુક્લા સાથે નોકરી પુરી કરી હોસ્પિટલ નજીક આવેલી પાનની કેબીને ફાકી ખાવા ઉભો હતો ત્યારે ચિરાગ સોલંકી સફેદ રંગનું એક્સેસ ટુવ્હીલર લઇને આવ્યો હતો અને મારો કાંઠલો પકડી ગાળો દીધી હતી. આ વખતે સાગરભાઇએ મને બચાવી લીધો હતો. આમ છતાં ચિરાગે પોતાના ટુવ્હીલરમાં પગ રાખવાની જગ્યાએ રાખેલી છરી ઉપાડી મને સાથળમાં એક ઘા મારી દીધો હતો અને ભાગી ગયો હતો. આથી મને સારવાર માટે સાગરભાઇ લઇ ગયા હતાં. મેં ચિરાગને નોકરીએ સમયસર આવવાનું કહેતાં ખાર રાખી મારા પર હુમલો કર્યો હતો. તેમ વધુમાં ભાવીનભાઇએ કહેતાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.