જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇ
જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં એક સપ્તાહ ના વિરામ બાદ ગઈકાલે વહેલી સવાર થી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને 42 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી.
જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો.ગઈકાલે કુલ રુ. 44. 60 લાખ ની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સોમવારે સવારે જામનગર શહેરના રામેશ્વર નગર, ક્રિષ્ના પાર્ક, માટેલ ચોક, નીલકમલ સોસાયટી, ધરાર નગર વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.
ઉપરાંત જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા કલ્યાણપુર સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
કુલ 42 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેની મદદ માટે એસઆરપીના 11 જવાનો, 34 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા.
ગઈકાલે કુલ 506 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.જેમાં થી 92 વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓ ને કુલ રુ.44.60 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.