મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
મેટોડામાં આવેલી આસ્થા સોસાયટીમાં રહેતા પ્રોઢાએ બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં આવેલા આસ્થા સોસાયટીમાં રહેતા હર્ષાબેન હસમુખભાઈ રામોલિયા નામના 52 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી લીધો હતો પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોટા મવા વિસ્તારમાં આવેલ આશુતોષ રેસીડેન્સીમાં રહેતા પાર્થ ધરમશીભાઈ લાઠીયા નામનો 30 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમ મંદિર પાસે આવેલા ગાર્ડનમાં હતો ત્યારે ડીડીટી પાવડર અને ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પાર્થ લાઠીયા વિમાનું કામ કરે છે અને ફ્લેટની ખરીદી કરી ત્યારે એક લાખ લીધા હતા તેના ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.