જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખી
જયનગરમાં ચોરી કરવા આવેલા 4 શખ્સોએ વૃદ્ધ જાગી જતાં હથિયારના ઘા ઝીંકી પતાવી દીધા
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છાશવારે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા જય નગરમાં ચોરી કરવા આવેલા શખ્સોએ ડેલાનાતાળા તોડી વેસ્ટેજ માલના 10 બાચકા લઈને ભાગ્યા હતાં. ત્યારે શેરીમાં સુતેલા પાડોશી વૃદ્ધ જાગી જતાં તસ્કરોને પડકાર્યા હતાં. તસ્કરોએ વૃદ્ધ ઉપર છરી વડે હુમલો કરી ઢીમઢાળી દીધું હતું. અને ચોરી કરી નાશી છુટ્યા હતાં. વૃદ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ચોરી કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર ચારેય હત્યારાને પોલીસે સકંજામાં લીધા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં આવેલ જયનગર મફતિયાપરામાં રહેતા દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી નામના 62 વર્ષના વૃદ્ધ મધરાત્રે પોતાના ઘરની બહાર શેરીમાં સુતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં. અને વૃદ્ધ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમાલમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થલે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક દેવશીભાઈ સોલંકીના પડોશમાં રહેતા ભાઈ જેન્તીભાઈ સોલંકીના દિકરા રસીકના બે દિવસ બાદ લગ્ન છે જેથી તેમના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેમનો પુત્ર રાહુલ સોલંકી કાકા જેન્તીભાઈના ઘરે સુવા ગયો હતો અને બાકીનો પરિવાર ઘરે સુતો હતો મૃતક દેવશીભાઈ સોલંકી પોતાની ડેલી બહાર શેરીમાં સુતા હતાં ત્યારે મધરાત્રે ચાર તસ્કરો શેરીમાં ઘુસ્યા હતા અને પાડોશમાં રહેતા અને ધુળધોયાનું કામ કરતા સંજયભાઈ ડોડિયાના ડેલામાં રૂા. 16000ની કિંમતના વેસ્ટેજ માલના 10 બાચકા લઈ તસ્કરો જીજે 3 બીયુ 9266 નંબરની રિક્ષા લઈને ભાગ્યા હતાં. તે દરમિયાન શેરીમાં સુતેલા દેવશીભાઈ સોલંકી જાગી જતાં તસ્કરોએ દેવશીભાઈ સોલંકીને મોઢા, છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઈ ઢસડાતા ઢસડાતા ડેલી ખખડાવી હતી જેને પગલે પત્નીએ ડેલી ખોલીને જોતા દેવશીભાઈ લોહીલુહાણ હાલતમાં હોવાથી પરિવારજનોને જગાડી દેવશીભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક દેવશીભાઈ સોલંકી ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે મૃતક દેવશીભાઈ સોલંકીના પુત્ર રાહુલ સોલંકીની ફરિયાદ નોંધી હતી ચોરી કરવા ઘુસેલા રિક્ષા ચાલક ચાર શખ્સો કુબલિયાપરાના હોવાની શંકાના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરી અને હત્યાની ઘટનાને અંજામ આપતા ચારેય શખ્સોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાંચે ચારેય શખ્સોની આજીડેમ પોલીસ હવાલે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આજીડેમ પોલીસે ફરિયાદના આધારે કાનુની તપાસનો દૌર લંબાવ્યો છે.