આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાત
રાજકોટ શહેરમાં આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી નહીં શકતા કાલાવડ રોડ પર રહેતા 70 વર્ષીય ભાઈચંદભાઈ પંડ્યાએ પોતાના ઘરે સેલફોસના ટીકડા ખાઈ લીધા હતા.બાદમાં સાંજે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા દમ તોડ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર,કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાઈચંદભાઈ મુકુંદભાઈ પંડ્યા (ઉ.વ.70) ગઈકાલે બપોરે 1:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.ત્યારે સેલફોસના ઝેરી ટીકડા ખાઈ ગયા હતા. પરિવારને જાણ થતા ભાઈચંદ ભાઈને સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન સાંજે 6:45 વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂૂ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રકાશભાઈ રાઠોડ અને ધર્મેન્દ્રભાઈ ચાવડાએ નોંધ કરી રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી.તાલુકા પોલીસના સ્ટાફે આવી જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
આ અંગે પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ત્રણ ભાઈ બે બેનના બીજા નંબરના હતા. તેમને સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે.તેઓ કપડાં વેચવાનો વ્યવસાય કરતા હતા.તેઓએ બે અલગ અલગ લોન લીધી હતી.જેના હપ્તા તેઓ ભરતા હતા.પરંતુ એક અકસ્માત દરમિયાન તેમની પાંસળી તૂટી ગઈ હતી.જેથી તેઓ પથારીવશ થઈ ગયા હતા.જેના કારણે લોન ભરી ન શકતા નહોતા અને આર્થિક ભીંસમાં આવી જતા તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.