વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવકોના સપનાઓ સાથે ખેલવાડ કરનાર મુખ્ય આરોપી નિહાર જાની હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જ્યારે પોલીસે મનોજ રાવલ અને કેશુ કેશવાલા નામના બે અન્ય આરોપીઓને ઝડપી લીધા છે.
આ તમામ યુવાનોને છેતરપિંડી કરનાર એજન્ટોએ વિવિધ શહેરોમાં ભટકાવ્યા,નકલી ટિકિટ અને ફેક વિઝા આપ્યા હતા. ફરિયાદીઓએ પોલીસમાં આ એજન્ટોને જે રૂૂપિયા આપ્યા હતા તેના ઓડિયો અને વીડિયો તરીકે પુરાવાઓ પણ રજૂ કર્યા છે.
2024ના સપ્ટેમ્બરથી આ કૌભાંડની શરૂૂઆત થઈ હતી. ભૂમિત ગોહિલ સહિત 8 યુવાનોને આલ્બેનિયા પહોંચાડવાનો વાયદો કરી પહેલા 50-50 હજાર રૂૂપિયાના એડવાન્સ લીધા, બાદમાં 5-5 લાખ રૂૂપિયા વસૂલ્યા હતા. આરોપીઓએ યુવકોને મુંબઈ મોકલ્યા હતા, ત્યાં 15 દિવસ રોક્યા, પછી કહ્યું કે મલેશિયા, કતાર, ટર્કી મારફતે આલ્બેનિયા પહોંચાડશે. બેંગલોર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ટિકિટ અને વિઝા બંને નકલી હોવાનું બહાર આવ્યું હતું, યુવકોને એરપોર્ટ પરથી પરત મોકલવામાં આવ્યા હતા.ભોગ બનનાર સુમિત મેવડાએ જણાવ્યું હતું કે, ઓફર લેટરમાં 30 ફેબ્રુઆરી બતાવ્યું હતું, જ્યારે ફેબ્રુઆરીમાં 30 તારીખ જ નથી.
આખરે અમને સમજાઈ ગયું કે બધું ખોટું છે. અન્ય યુવકે કહ્યું, દાગીના ગીરવે મૂક્યા, હવે આપઘાત સિવાય બીજો રસ્તો નથી. ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે.આ કેસમાં ભોગ બનનાર ભૂમિત ગોહિલ, જયદીપ મેવાડા, સુમિત મેવાડા, વિશાલ મેવાડા, નીતિન મેવાડા, દિપક વઘેરા, મલ્હાર મારુ અને વિજય મારુ સહિત કુલ 8 યુવકોનો સમાવેશ થાય છે. તેમણે આપેલા તમામ પૈસાના વીડિયો-ઓડિયો પુરાવા, ગૂગલ પે, આરટીજીએસ, ચેક ટ્રાન્ઝેક્શન રસીદો પણ પોલીસે જપ્ત કરી છે.