દ્વારકા જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યા
અધિકારીઓની પરીક્ષામાં છેડછાડના આરોપ પાયાવિહોણા: સંદિપ ખેતિયા
અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અધિકારીની પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થયાના આક્ષેપોને દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયાએ તદન ખોટા ગણાવ્યા છે. તેમને જણાવાયા મુજબ ઉપરોક્ત પરીક્ષાઓ નિયમ મુજબ લેવામાં આવી છે. પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે એક પ્રવક્તાએ હોમગાર્ડઝ સામે આક્ષેપો કરતા પહેલા વિચારવું જોઈએ. હોમગાર્ડઝ એક શિસ્તની બનેલી પાંખ છે, માનદ દળ છે. પોલીસ વિભાગની સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે.
લોકોની સતત સેવા કરતું એક દળ છે. શિસ્ત, સેવા અને સમર્પણ ઈમાનદારીથી ભરેલું આ દળ છે. તેની સામે આક્ષેપો છે એ તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. ગુજરાત રાજ્ય હોમગાર્ડઝએ નિયમ મુજબ જ રેન્ક ટેસ્ટ લીધી છે. કોઈપણ જાતની ગેરરીતિ થઈ નથી. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયાએ વધુમાં ઉમેર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એવા કોઈ ખોટા ઉમેદવારોએ પરીક્ષા આપી નથી. ગુજરાતના દરેક જિલ્લાઓમાં જિલ્લાના કમાન્ડન્ટ તેમજ વડી કચેરી સરકારના નિયમોનું પાલન કરે છે. તેમ પણ તેમણે જણાવ્યું છે.