ડ્રગ્સના નશામાં ધૂંત યુવાને કાર અડફેટે અનેકને ઊલાળ્યા, મહિલાનું મોત
ગુજરાતના વડોદરામાં ડ્રગ્સના નશામાં એક 20 વર્ષીય યુવકે બેફામ સ્પીડે કાર ચલાવીને રસ્તા પર જતા લોકોને હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું અને અન્ય સાત ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરમિયાનમાં અકસ્માત વખતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે અકસ્માત બાદ નશામાં ધૂત યુવક કારમાંથી બહાર આવી રહ્યો હતો અને બીજો રાઉન્ડ એવી બૂમો પાડી રહ્યો છે. લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો અને ઇજાગ્રસ્ત લોકો રોડ પર પડેલા હતા.
આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે કારેલીબાગ વિસ્તાર નજીક સવારે 12.30 વાગ્યે થયો હતો. રક્ષિત ચૌરસિયા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે અને વડોદરાની એક યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે.
આ કેસમાં જેની કાર હતી તે મિત ચૌહાણની ધરપકડ કરાઇ છે. મિત અકસ્માત વખતે ચૌરસિયા સાથે કારમાં બેઠો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મિત વડોદરામાં રહે છે અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
અકસ્માત સમયના ફુટેજમાં દેખાય છે કે બ્લેક ટી-શર્ટ અને ગ્રે ટ્રાઉઝર પહેરેલો આરોપી કારમાંથી બહાર આવી રહ્યો છે. કારનો આગળનો ભાગનો લગભગ ખુડદો બોલી ગયો છે. કારમાંથી બહાર આવીને હાથ હવામાં ઉલાળીને તે બીજો રાઉન્ડ એવી બૂમો પાડવાનું શરૂૂ કરે છે અને રસ્તા પર ચાલતી વખતે પણ બાલવાનું ચાલુ રાખે છે. થોડી જ ક્ષણો પછી તે ઓમ નમ: શિવાયના જાપ કરવાનું શરૂૂ કરે છે. કારમાં તેની સાથે બેઠેલો યુવક તે પહેલાજ કારમાંથી બહાર આવીને સામેની દિશામાં દોડી જાય છે અને આસપાસના લોકોને કહે છે કે આરોપી (રક્ષિત) કાર ચલાવતો હતો અને તેણે કશું કર્યું નથી.
મળતી માહિતી પ્રમાણે ચૌરસિયા 120 કિમીની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બે સ્કૂટરને કારની જોરદાર ટક્કર વાગે છે અને સવારોને પછાડે છે અને અટકતા પહેલા તેમને ખેંચીને લઈ જાય છે. તેણે કારને ચાર લોકો સાથે અથડાવી દીધી હતી, જેમાં સ્કૂટર પર જઇ રહેલી હેમાની પટેલ પણ હતી જે તેની સગીર પુત્રી સાથે હોળીનો રંગ ખરીદવા બહાર નીકળી હતી. હેમાની પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત બાળકી સહિત અન્ય ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળ નજીક એકઠા થયેલા ટોળાએ પોલીસ પહોંચે તે પહેલા રક્ષિતને માર માર્યો હતો, દરમિયાનમાં પોલીસે જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તારમાં કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેણે અનેક લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, અને અન્ય ચારની હાલ સારવાર ચાલી રહી છે.
અમે એફઆઈઆર નોંધાવીશું અને આ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ રહ્યા છીએ. અકસ્માત કરનાર રક્ષિત પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ છે. ઘટનાના થોડા કલાકો બાદ ધરપકડ કરાયેલા મિત ચૌહાણનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ એ જાણી શકે કે તે પણ નશામાં હતો કે નહીં.
મારો ગુનો માફી લાયક નથી, હું ભોગ બનનારને મળવા માગું છું
આરોપી રક્ષિત ચોરસિયાએ તેના પિતા વારાણસીમાં બિઝનેસમેન હોવાનું જણાવ્યું હતું અને તેણે અકસ્માતના બે કલાક પહેલાં ભાંગનો નશો કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કિશન વાડી ગધેડા માર્કેટથી અમે નિઝામપુરા જઈ રહ્યા હતા. પાસે અમે મારા મિત્રના ઘરે હોલિકા દહનની ઉજવણી કરવા મળ્યા હતા. જ્યાંથી અમે મારા રૂૂમ પર જવા માટે નીકળ્યા હતા. મારો મિત્ર મને રૂૂમ પર મૂકવા આવી રહ્યો હતો. આ સમયે ગાડી થોડી સ્પીડમાં હતી. મને ઓટોમેટિક કાર ચલાવતા આવડતી નથી અને આ કાર ઓટોમેટિક હતી. કાર સ્પોર્ટ્સ મોડ પર હતી. આ સમયે અચાનક જ અકસ્માત થયો હતો અને એરબેગ ખૂલી ગઈ હતી. જેથી મને આગળનું કંઈ દેખાયું નહોતું. પછી શું થયું તે મને ખબર નથી. મારી કાર 50 થી 60ની સ્પીડે હતી.મારી ભૂલ હતી હું સ્વીકારું છું. હજી મને ખબર પણ નથી કે શું થયું છે. જે પરિવાર સાથે મેં એક્સિડન્ટ કર્યો છે તેમને હું મળવા માગું છું. હું તેમની માફી માંગવા માગું છું. જોકે સોરી શબ્દ પણ આના માટે ખૂબ નાનો કહેવાય. મેં કર્યો એ ગુનો માફીલાયક નથી. એ પરિવારે શું ગુમાવ્યું છે, તે મને ખબર છે. આ કાર મારા મિત્રની છે. હું કાર ચલાવતો હતો. તે સમયે નશામાં ન હતો.