મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ
ભાવનગરમાં સલામત સવારી-એસ.ટી અમારી જેવા સુત્રને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહુવાથી જામનગર જતાં રૂૂટન એસટી બસના ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં મહિલા પેસેન્જરની છેડતી કરવામાં આવી હતી. જેના પગલે ડ્રાઈવરને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
મહુવા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો અબ્દુલ રહેમાન ભટ્ટી (બેઝ નંબર 752) મહુવા-જામનગર રૂૂટ પર બસ ચલાવી રહ્યો હતો. આ બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર એક મહિલા પોતાની દીકરી સાથે મુસાફરી કરી રહી હતી. આ સમયે નફ્ફટ ડ્રાઈવર બસના કાચમાં જોઈને નખરા કરતો હતો અને મહિલા પેસેન્જરને ઈશારા કરીને છેડછાડ કરતો હતો. આ મામલે ભોગ બનનાર મહિલા દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. જે બાદ ફરિયાદી મહિલા અને તેના પરિવારજનોને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ગુસ્સે ભરાયેલી મહિલાએ ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવી ઝાપટ મારી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં મહુવા ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક પગલા લઈને રંગીલા ડ્રાઈવરને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.