નસેડી ટીપરવાનના ચાલકે બાઈકને ઉલાળ્યું : બેને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વગડ ચોકડી પાસે મનપા સંચાલિત ટીપરવાનના ચાલકે દારૂના નસામાં બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એકઠા થયેલા લોકોએ ઈજાગ્રસ્ત મહિલા સહિત બેને સારવાર માટે ખસેડ્યા હતાં. જ્યારે વાહન ચાલકને ઝડપી લીધો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વાહનોના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ઈન્દિરા સર્કલ નજીક સીટીબસના ચાલકે વાહન ચાલકોને ઉલાળતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે આઠેક જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જે ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં મહાનગરપાલિકા સંચાલિત ટીપરવાનના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વગડ ચોકડી પાસે ટીપરવાનના ચાલકે દારૂના નશામાં ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને ઠોકરેચડાવ્યું હતું. જે અકસ્માતમાં મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માત સર્જી ટીપરવાનનો ચાલક નાશી છૂટે તે પહેલા જ ઝડપી લીધો હતો.
એકઠા થયેલા લોકોએ અકસ્માતમાં ઘવાયેલા બાઈક સવાર મહિલા સહિત બન્ને લોકોને બન્ને લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે દારૂના નશામાં અકસ્માત સર્જનાર ટીપરવાનના ચાલકનું નામ-ઠામ પુછતા તે વાવડી વિસ્તારમાં મનપાની ટીપરવાન ચલાવતો હોવાનું અને તેનું નામ કાળુ હોવાનું જણાવ્યું હતું. ટીપરવાનના ચાલકે દારૂના નશામાં બાઈકને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માત અને લોકોેએ નશેડી ડ્રાઈવરને ઝડપી લઈ કરેલી પુછપરછનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.