સવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસ
લક્ષ્મીનગર મેઈન રોડ પર બરસાના-1માં રહેતાં ખ્યાતીબેન લીંબાસીયા (ઉ.વ.32)એ પતિ પાર્થ, સસરા દેવરાજભાઈ, સાસુ ગીતાબેન અને નણંદ વરાલીબેન ભાવીનભાઈ ઠુંમર (રહે. બધા રાજ રેસીડેન્સી, સેટેલાઈટ ચોક, મોરબી રોડ) સામે ઘરની નાની-નાની બાબતમાં ઝઘડા કરી મેણા-ટોણાં મારી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ કમાં ફરિયાદ નોંધાવી છે.
બી.એ. સુધી અભ્યાસ કરનાર ખ્યાતીબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન ર0રરમાં થયા હતા. લગ્નના બે માસથી સાસુ-સસરાએ ઘરની નાની-નાની બાબતમાં ઝઘડાઓ કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.નણંદ અવાર-નવાર તેના ઘરે રોકાવા આવતા હોય તે મારા મમ્મી પપ્પા તમને જેમ કહે તેમ કરવાનું તેમ તેને કહી સાસુ-સસરાને ચડામણી કરતા હતા. સાસુ સવારમાં ખાલી ચા જ પીવાની અને બપોરે બે જ રોટલી ખાવાની કહી ટોર્ચર કરતાં હતા.
આ બાબતે પતિને કહેતાં તે ઝઘડાઓ કરતો હતો. એટલું જ નહીં પતિ તેને ફોનમાં રિચાર્જ કરી આપવાનું જયારે પાડોશીઓ સાથે વાત કરવાની ના પાડતો હતો. તેમજ સાસુ અને નણંદ સાથે વાતચીત કરવાનું કહેતો હતો. આઠેક માસ પહેલાં નણંદ ઘરે રોકાવા આવતાં નાની એવી વાતમાં ઝઘડો કર્યો હતો.આ બાબતે તેણે તેના પતિ અને સાસુ-સસરાને વાત કરતાં તેમણે વીરાલી કહે તેમજ કરવાનું, આપણાં ઘરમાં તે કહે તેમ જ થાશે,તને પોસાય તો અહી રહે કહી તમામે ઝઘડો કર્યો હતો.તે પિયરમાં જતા રહ્યા હતા. જયાં તે છએક મહિના રિસામણે રોકાયા હતા.તેના સગા ભાઈના લગ્ન હોવાથી સાસરિયાને તેડાવ્યા હતા.પરંતુ કોઈ પ્રસંગમાં આવ્યું ન હતું.સમાધાનના અવાર-નવાર પ્રયત્નો કર્યા હતા.
બેઠક પણ મળી હતી પરંતુ કોઈ તેને તેડવા આવ્યું ન હતું.આથી તે બેએક માસ પહેલાં પોતાની રીતે સાસરીમાં જતા રહ્યા હતા.પરંતુ સાસરીયાવાળાના વર્તનમાં કોઈ ફરક પડયો ન હતો અને ત્રાસ આપવા લાગ્યા હતા. પતિ ઘરેથી કહ્યા કયાંક જતો રહ્યો હતો. તે ઘરે આવતો ન હોવાથી તેણે સાસુ-સસરાને પુછતાં તેને ખબર નહીં હોવાનો જવાબ આપ્યો હતો. દસેક દિવસ પહેલાં તેના માતાની તબિયત સારી ન હોવાથી તે બે દિવસ પિયર રોકાવા ગયા હતા. આ દરમિયાન તેના પતિએ તેને નોટીસ મોકલાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે તું મારા માતાના ઘરમાં ગેરકાયદેસર રહે છે જે છોડી દેજે.જેથી આ બાબતે તેણે પતિને ફોન કરતાં ફોન ઉઠાવતાં ન હોય, મેસેજનો જવાબ આપતો નહીં હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી.