દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી અને પાણી પણ નાખ્યું હતું, પરંતુ તે જાગ્યો ન હતો. નશામાં ધૂત નાયબ મામલતદાર નરેશ વણકરે જાગતા જ કહ્યું હતું કે, હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું.
રાજ્યભરમાં ગઈકાલે ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી ત્યારે ગત રાત્રે વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે વડોદરા જિલ્લાના પાદરા નાયબ મામલતદાર નરેશ પર્માભાઈ વણકર (રહે. મામલતદાર સ્ટાફ ક્વાર્ટર્સ, પાદરા)ની કારનો અકસ્માત થયો હતો. જેમાં કાર ખાડામાં ફસાઈ ગઈ હતી.
લોકોએ તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી, જેથી અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા નશામાં ધૂત નાયબ મામલતદારને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની ઉપર પાણી પણ છાંટ્યું હતું તેમછતાં નાયબ મામલતદાર ઉઠ્યા નહોતા. ખૂબ જેહમત બાદ પોલીસે તેમને જગાડ્યા હતા અને પોલીસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અકોટા પોલીસે નાયબ મામલતદાર નરેશ વણકર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.
પોલીસને કારમાંથી ખાલી બોટલ મળી હતી અને કારમાંથી ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલી પ્લેટ પણ મળી હતી. પોલીસે મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.