શહેરમાં ડઝન સ્થળે દેશી-વિદેશી દારૂના દરોડા : 7 મહિલા સહિત 13 ઝડપાયા
દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકતા નાસ ભાગ
શહેરમાં દેશી દારૂ અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ કડક સુચના આપી છે ત્યારે પોલીસના દરોડા છતાં બે રોકટોક શહેરમાં અનેક સ્થળોએ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે ત્યારે આવા દેશી દારૂના વધતા જતાં દુષણને ડામવા માટે પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરતા બુટલેગરોમાં સન્નાટો છવાઈ ગયો હતો. થોરાળા અને બી ડીવીઝન પોલીસે એક જ રાતમાં 12 થી વધુ સ્થળોએ દેશી દારૂ અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડી સાત મહિલા સહિત 13 શખ્સોની ધરપકડ કરી દેશી દારૂના મુદ્દામાલનો નાશ કર્યો હતો. જેમાં પોલીસે 326 લીટર દેશી દારૂ તથા 2200 લીટર આથો અને 16 બોટલ વિદેશી દારૂની કબજે કરી કુલ રૂા.1.22 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો.
થોરાળા પોલીસે કુલ અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડયા હતાં. થોરાળા વિસ્તારમાં કુખ્યાત વિસ્તારોમાં પોલીસ ટીમ ત્રાટકી હતી. અલગ અલગ ટીમોએ પાડેલા દરોડાથી બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી. પોલીસે દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના કુલ 10 કેસ કર્યા હતાં. જેમાં પોલીસે પુનમબેન સંજયભાઈ પરમાર, રસિલાબેન દિલીપભાઈ ગોહિલ, શર્મિલાબેન મહેશભાઈ રાઠોડ, ઈલાબેન અનિલભાઈ સોલંકી, શ્રધ્ધાબેન શૈલેષભાઈ પરમાર, રવિ વશરામ સાકરીયા, કિશન ઉર્ફે દસ્તો નવઘણભાઈ, સુનિલ કલાભાઈ સોલંકી તથા કલાબેન વલ્લભભાઈ નામની મહિલાની ધરપકડ કરી હતી. કુબલીયાપરામાં તેમજ આસપાસના કુખ્યાત દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે સર્જિીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરી હતી.
આ 10 દરોડામાં પોલીસે રૂા.52,000નો 260 લીટર દેશી દારૂ, રૂા.55 હજારની કિંમતનો દેશી બનાવવાનો આથો અનેં ભઠ્ઠીના સાધનો તથા રૂા.8000ની કિંમતની 16 બોટલ દારૂ સહિત રૂા.1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત બી ડીવીઝન પોલીસે પણ મોરબી રોડ પર વેલનાથપરા પાસેથી દેશી દારૂ 66 લીટર તથા રોકડ સહિત રૂા.16,830ના મુદ્ધામાલ સાથે વેલનાથપરાના રમેશ ઉર્ફે બાબુ કેશુભાઈ જાખેલીયા તથા અરૂણ વિરજી પાથરની ધરપકડ કરી હતી. જ્યારે માલવીયાનગર પોલીસે નવલનગર શેરી નં.6માં રહેતા જયેશ લાખા ડાભી નામના શખ્સને લોધેશ્ર્વર સોસાયટીમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવાની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા, પીએસઆઈ સી.વી.ચુડાસમા, જે.એમ.પરમાર તેમજ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ તેમજ માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ દેસાઈ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.