ડીકેવી કોલેજનાં મહિલા પ્રોફેસર દ્વારા આચાર્ય હેરાન કરતા હોવાનો આરોપ
જામનગરની પ્રતિષ્ઠિત ડિ.કે.વી. કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.સોનલ એચ. જોષીએ કોલેજનાં પ્રિન્સિપાલ એમ.આર.સોલાણી વિરૂૂદ્ધ હેરેસમેન્ટ, માનસિક ટોર્ચર કરવા સહિતનાં આરોપ લગાવી સમગ્ર મુદ્દે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ડો.સોનલ એચ. જોષીનાં આરોપો અનુસાર આચાર્ય એમ.આર.સોલાણી તેમનાં પ્રત્યે પૂર્વગ્રહ રાખી યેનકેન પ્રકારે કનડગત કરવા કોઇપણ કાર્યભાર વગર 3.00 થી 6.00 દરમ્યાન કોલેજમાં આચાર્યની ચેમ્બરમાં એકલા બેસવાની તેઓને ફરજ પાડે છે. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઓબઝર્વરની ડ્યૂટી માં તેઓને ન રાખવામાં આવે એવા પગલાઓ લેવાનો તથા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં સામેલ થવાની પરવાનગી ન આપવા જેવા પગલાઓ લઇ હેરાન કરવામાં આવતા હોવાનો તથા માનસિક ટોર્ચર કરવામાં આવતા હોવાની તથા વિવિધ કાર્યક્રમો સંદર્ભે પત્રવ્યનહાર કરી પરેશાન કરવામાં આવતા હોવાની વાતો રજૂઆતમાં પ્રકાશમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કથિત પીડીત મહિલા પ્રોફેસર સિંગલ મધર હોવાની અને બે સંતાનોની જવાબદારી તેમનાં ઉપર હોવાની તથા આચાર્ય દ્વારા થતા માનસિક ટોર્ચરથી તેઓને બ્લડ પ્રેશર અને માનસિક તણાવ સંબંધિત દવાઓ લેવી પડતી હોવાની રજૂઆત સાથે આચાર્ય એમ.આર.સોલાણી વિરૂૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે શિક્ષણ કમિશ્નર દિલિપભાઇ રાણાને લેખિત ફરીયાદ કરવામાં આવી છે. જેને લઈને જામનગર ના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
