દિગ્વિજય પ્લોટમાં યુવાન વ્યાજ ખોરની ચુંગાલમાં ફસાતા કર્યું વિષપાન
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો ભાનુશાલી યુવાન એક વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો છે, અને તેના ત્રાસથી કંટાળી ઝેરી પ્રવાહી પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54, વિશ્રામ વાડી પાછળ શેરી નંબર એકમાં રહેતા અને બ્રાપાર્ટના કારખાનામાં છૂટક મજૂરી કામ કરતા પ્રતાપભાઈ મનજીભાઈ દામા નામના 37 વર્ષના ભાનુશાળી યુવાને ગઈકાલે પોતાના ઘેર મચ્છર મારવાનું જંતુનાશક લીક્વીડ પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ બનાવ ની પોલીસને જાણ થતાં સીટી એ. ડિવિઝનના એએસઆઇ એલ. બી. જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા મયુરભાઈ જમનાદાસ કટરમલ નામના વ્યાજખોરના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસ દ્વારા તેની વિશેષ પૂછપરછ કરવામાં આવી હતી. જે પૂછપરછ દરમિયાન તેણે આજથી થોડા સમય પહેલા મયુરભાઈ કટારમલ પાસેથી કટકે કટકે ચાલીસ હજાર રૂૂપિયા વ્યાજે લીધા હતા.
જેનું 10 ટકા લેખે વ્યાજ તથા પાલીમાં વ્યાજ ચૂકવવા નક્કી થયું હતું અને પોતે ત્રણ મહિના સુધી તેનો હપ્તો ચૂકવી આપતો હતો. પરંતુ તેની પાસે વધુ પૈસાની સગવડ નહીં થતાં તાજેતરમાં મયુરભાઈ કટાર મલ રસ્તામાં મળી ગયા હતા, અને બે ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવી આંચકી લીધા હતા, તેમજ તેને મારકૂટ કરી હતી, અને ગાળો ભાંડી હતી. તેથી તેને મનમાં લાગી આવતાં જંતુનાશક પ્રવાહી પી લીધું હોવાનું પોલીસને જણાવ્યું હતું.આથી સિટી એ. ડિવિઝન પોલીસે પ્રતાપભાઈ દામાની ફરિયાદ ના આધારે મયુરભાઈ કટારમલ સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.