મોટી ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂા.13 લાખ પડાવી લીધા
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા એક કર્મચારી સાયબર ફ્રોડ ટોળકી નો શિકાર બન્યા છે, અને પોતાની તેર લાખ જેવી મતબાર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. નકલી પોલીસ બની બે શખ્સોએ પાર્સલમાં ડ્રગ્સ આવ્યું છે તેવો ડર બતાવી નાણા પડાવી લીધા ની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે સાયબર સેલની ટીમ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા અને કંપનીની ટાઉનશિપમાં રહેતા મેહુલભાઈ રમાકાંતભાઈ પંજી નામના વણિક કર્મચારીએ પોતાની સાથે મોબાઈલ ફોન મારફતે ફ્રોડ કરીને રૂૂપિયા 13 લાખ પડાવી લેવા અંગે એ.યુ. બેંક એકાઉન્ટ ધરાવતા ગૌરવ મંગલ તેમજ અન્ય એક મોબાઈલ ધારક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 22.3.2024 ના દિવસે ફરિયાદી મેહુલભાઈ ના મોબાઈલ પર ટેલીફોન આવ્યો હતો, અને કુરિયર સર્વિસ ના કર્મચારી તરીકેની ઓળખ આપી તમારા નામે એક પાર્સલ આવ્યું છે, જે પાર્સલમાં એમડી ડ્રગ્સ નામનો પાવડર છે. ઉપરાંત ત્રણ લેપટોપ, 4 કિલો કપડા, તેમજ પાંચ ટ્રાવેલિંગ પાસપોર્ટ, અને પાંચ ક્રેડિટ કાર્ડ વગેરે સામગ્રી છે.ત્યારબાદ તેણે વોટ્સએપ કોલિંગ માં મુંબઈના એક પોલીસ અધિકારી સાથે કોન્ફરન્સ કોલ માં વાત કરાવી હતી, અને પોતાને ડિજિટલ એસ્ટ કરી લીધા હતા.
ત્યારબાદ આમાંથી બચવું હોય તો તમારે 13લાખની રકમ બેંક માં જમા કરાવવી પડશે, અને બંને એ વોટ્સએપ કોલિંગમાં ભારત સરકારને લગત અને બેંકના ડોક્યુમેન્ટ સેન્ડ કર્યા હતા, જેથી મેહુલભાઈ ડરી ગયા હતા, અને તેઓએ તેર લાખની રકમ ટ્રાન્સફર કરી આપી હતી. જેની ખરાઈ કર્યા બાદ ઉપરોક્ત રકમ ફરીથી ખાતામાં જમા થઈ જશે, તેવો ભરોસો આપ્યા બાદ બંને એ. પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા.
આખરે પોતાની સાથે ચીટીંગ થયું હોવાનું ધ્યાનમાં આવતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ઉપરોક્ત બંને ચીટર શખ્સ સામે ચીટીંગ અંગેની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ.એ.ધાસુરા અને તેઓની ટીમેં આઇપીસી કલમ 388, 420,484,170,120(બી) તથા આઇટી એક્ટ કલમ 66(સી) ,(66 ડી) મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.