રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ
ચોટીલા હાઈવે પર પસાર થતા વાહનોમાંથી ઈંધણ ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. ત્યારે નાની મોલડી પોલીસે બોરીયાનેસ પાસે આવેલી હોટલના મેદાનમાંથી ઈંધણ ચોરી ઝડપી લીધી છે.
જેમાં બે વાહનોના ચાલકોને 29 હજાર લીટર ડીઝલ, બે વાહનો સહિત રૂૂ. 43.58 લાખથી વધુની મત્તા સાથે ઝડપી લઈ ફરાર થનાર હોટલ સંચાલક સહિત 3 સામે ફરિયાદ નોંધી છે.
નાની મોલડી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર બોરીયાનેશ ગામ પાસે યુપી બીહાર હોટલના સંચાલક ચોટીલાના ચામુંડાનગરમાં રહેતા જેઠુર રામકુભાઈ ખાચર હોટલના કમ્પાઉન્ડના પાછળના ભાગે હાઈવે પરથી પસાર થતા વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની ચોરી કરતા હોવાની બાતમી મળી હતી.આથી પોલીસે તા. 31મીએ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં મેદાનમાં ટેન્કર અને ટ્રક ઉભો હતો.
જેમાંથી પાઈપ વડે ઈંધણના કેરબા ભરાતા હતા. આથી પોલીસે બન્ને વાહનોના ચાલક રાજસ્થાનના દીપકસીંહ વીરદસીંહ રાજપુત અને જામનગરના ઈમ્તીયાઝ આદમભાઈ ચાણકીયાની પુછપરછ કરતા વાહનોમાંથી ઈંધણની ચોરી હોટલ સંચાલક જેઠુર ખાચર કરાવે છે. તે અમારી પાસેથી રૂૂ. 70ના ભાવે પ્રતિ લીટર ઈંધણ લઈને રૂૂ. 78ના ભાવે વેચે છે. આ રેડ દરમીયાન જેઠુર ખાચર ફરાર થઈ ગયો હતો. પોલીસે બન્ને ચાલકોને ઝડપી લઈ ફરાર હોટલ સંચાલક સહિત ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ એચસી બટુકભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.