ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટરનો ભાઈ અને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 56 બોટલ સાથે ઝડપાયા
જામનગર એલસીબીએ ધ્રોલમાં દરોડો પાડી દારૂૂની 56 બોટલ સાથે બે ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીમાંથી જયેશ પરમાર એ ધ્રોલ પાલિકા ભાજપના કોર્પોરેટર રણછોડભાઈ પરમારનો ભાઈ છે. જ્યારે રવિ ઝૂંઝા નામનો આરોપીએ પૂર્વ ધ્રોલ પાલિકા કોર્પોરેટર સામતભાઇ ઝુંઝાનો પુત્ર છે. બંને આરોપીને મોબાઇલ સહિત રૂૂ.30620 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
જામનગર એલ. સી. બી. ના હેડ કોસ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજા, કોસ્ટેબલ મયુરસિંહ પરમાર, સુમીતભાઈ શિયાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે ધ્રોલમાં ભરવાડ શેરીમા રહેતા રૂૂખા ઉર્ફે રવી સામતભાઇ ઝુંઝા તથા ધ્રોલમાં જોડીયા નાકા અંદર રહેતા જયેશ પોપટભાઈ પરમાર નામનો યુવક ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ ખંભાલિડા જવાના જુના માર્ગે પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારી તેનુ વેચાણ કરે છે.
જે બાતમીના આધારે દરોડો પાડી વાડીમાં આવેલ મકાનમાંથી જયેશ પોપટભાઇ પરમાર (ઉ.વ.42, રહે. જોડીયા નાકાની અંદર, ધોળેશ્વર મહાદેવ મંદીર પાસે, ધ્રોલ) તથા રૂૂખા ઉર્ફે રવી સામતભાઈ ઝુંઝા (ઉ.વ.25, રહે. ધ્રોલ, એસબીઆઈ રોડ, ભરવાડ શેરી .ધ્રોલ) બંનેને વિદેશી દારૂૂની 56 બોટલો સાથે ઝડપી પાડી મોબાઇલ સહિત રૂૂ.30620 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂૂની બોટલ આપનાર ભરત ગમારા (રહે.લુણસર તા.વાકાનેર) ની શોધખોળ હાથ ધરી છે. ત્રણેય આરોપી સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપી ભાજપ નેતાઓના સગા હોવાથી ધ્રોલમાં ચર્ચાએ જોર પકડ્યું છે.