સ્પોટ્ર્સ માટે રૂપિયા 426 કરોડની ફાળવણી છતાં મેડલના નામે મીંડું
ગુજરાતને સ્પોર્ટ્સ વિકાસ માટે નાણાની ફાળવણી સામે સવાલ ઉઠાવતા કિર્તી આઝાદ
ભાજપ શાસિત ગુજરાત-યુપીને જ 40 ટકા બજેટ ફાળવી દેવાયું છતાં પરિણામ શુન્ય
પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવની આજે પૂર્ણાહુતિ છે. 26 જુલાઈથી શરૂૂ થયેલો દુનિયાનો સૌથી મોટો રમતોત્સવ આજે પૂરો થઈ રહ્યો છે. આ રમતોત્સવમાં ભારત હાલના તબક્કે માત્ર 1 સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત કુલ છ મેડલ સાથે છેક 71મા ક્રમે છે. ઓલિમ્પિક રમતોત્સવ પૂરો થઈ રહ્યો છે તે જ રીતે ગયા શુક્રવારે દેશમાં મોદી 3.0 સરકારનું પહેલું બજેટ સત્ર પુરું થયું.
આ બજેટ સત્રમાં દેશમાં વિવિધ રમતો અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કુલ રૂૂ. 2168.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પૈકી સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશમાં રૂ. 438.27 કરોડ અને બીજા ક્રમે ગુજરાતને રૂૂ. 426.13 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આજે પૂરા થયેલા ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને આ બંને રાજ્યોને થયેલી નાણાંની ફાળવણી સામે સવાલો ઉઠી રહ્યા છે. ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા કીર્તિ આઝાદે ભાજપ શાસિત રાજ્યોને ફાળવવામાં આવેલા નાણાં સામે સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. પરંતુ કલ્પના કરો કે સ્પોર્ટ્સના વિકાસના નામે કયા રાજ્યને સૌથી વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે? ગુજરાત. એક એવું રાજ્ય કે જેને સ્પોર્ટ્સ અને ભારતીય આર્મ્ડ ફોર્સીસ સાથે કંઈ લેવા દેવા નથી. પરંતુ તેને સૌથી વધુ બજેટ ફાળવણી કરાઈ છે. કીર્તિ આઝાદે દાવો કર્યો છે કે કેન્દ્રની મોદી સરકારે રાજ્યોને સ્પોર્ટ્સના વિકાસ માટે કુલ રૂૂ. 2168.78 કરોડની ફાળવણી કરી છે, જેમાંથી ભાજપ શાસિત બે જ રાજ્યો ઉત્તર પ્રદેશ અને ગુજરાતને કુલ રૂ. 864 કરોડની ફાળવણી કરાઈ છે. એટલે કે લગભગ 40 ટકા ફાળવણી આ બે રાજ્યોને કરી દેવાઈ છે.
બાકીની 60 ટકા રકમ 30 ટકા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કરાઈ છે. આ ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી 3 અને ઉત્તર પ્રદેશાંથી 6 ખેલાડી ગયા પરંતુ કોઈ મેડલ જીતી શક્યા નથી. આ જોતાં આ બંને રાજ્યો સ્પોર્ટ્સના વિકાસ માટે શું કરી રહ્યા છે એ સવાલ છે.