50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરી
જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી નું દુષણ વધી ગયું છે, અને વધુ એક મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતી એક મહિલા એ આથી બે વર્ષ પહેલાં એક વ્યાજખોર પાસે દૈનિક 500 રૂૂપિયાના વ્યાજે 50,000 લીધા બાદ 80,000 ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા વધુ 50,000 ની માંગણી કરી ધાક ધમકી અપાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતી રમીલાબેન શાંતિલાલભાઈ પરમાર નામની 45 વર્ષની મહિલાએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ વધુ નાણાં કઢાવવા માટે ધાક ધમકી આપવા અંગે પવનચક્કી વિસ્તારમાં રહેતા પરાગ ભરતભાઈ નાખવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા રમીલાબેન ને આજથી બે વર્ષ પહેલા રૂૂપિયાની જરૂૂર પડતાં આરોપી પરાગ નાખવા પાસેથી 50,000 વ્યાજે લીધા હતા, તેનું દૈનિક 500 રૂૂપિયા વ્યાજ ચૂકવતા હતા. જેની સામે ત્રણ કોરા ચેક આપેલા હતા.
કટકે કટકે બે વર્ષના સમયગાળા દરમિયાન 80 હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં પરાગ નાખવા દ્વારા વધુ 50,000 ની માંગણી કરાઈ હતી, અને ત્રણ ચેક પૈકીનો એક ચેક કે જેમાં 1,35,000 ની રકમ ભરીને બેંકમાંથી ચેક રીટર્ન કરાવી દીધો હતો, ઉપરાંત જો પૈસા નહીં આપે તો વધારાના બે ચેક પણ બેંકમાં જમા કરાવી રિટર્ન કરાવ્યા બાદ ફરિયાદ નોંધાવશે તેવી ધમકી ઉચ્ચારી હોવાથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.એમ. રાવલે રમીલાબેન ની ફરિયાદના આધારે આરોપી પરાગ નાખવા સામે મની લેન્ડર્સ એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.