પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો
પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. ફરિયાદીના ડેરી પ્લાન્ટમાં કોઈ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે લાંચની માંગણી કરતાં તેણે એસીબીમાં જાણ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે છટકુ ગોઠવી નાયબ ઈજનેરને લાંચ લેતાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ફરિયાદીની સુદામા ડેરી ખાતે પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે પોરબંદર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના નાયબ પર્યાવરણ ઈજનેર રાજેશ વિઠ્ઠલભાઈ ચૌહાણે દર મહિને રૂપિયા 25000 લાંચ પેટે આપવા પડશે નહીં તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરી દઈશ તેમ જણાવી પાંચ મહિનાના રૂપિયા 1.25 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં જાણ કરી હતી.
જેના આધારે જૂનાગઢ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસીબીના પીઆઈ બી.કે.ગમાર અને સ્ટાફ દ્વારા લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને ફરિયાદીએ આરોપી નાયબ ઈજનેર સાથે વાતચીત કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઓફિસમાં લાંચ આપવા માટે બોલાવતાં ફરિયાદી જે.પી.સી.બી.ની ઓફિસે રૂપિયા 1.25 લાખની લાંચ આપવા માટે ગયા ત્યારે જ એસીબીએ નાયબ ઈજનેરને રૂપિયા 1.25 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી લાંચની રકમ રિકવર કરી લાંચીયા અધિકારી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.