કુવાડવા અને ગઢકા પાસે DCB-PCB ત્રાટકી: 2.30 લાખનો દારૂ પકડાયો
કુવાડવા ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનીને 336 બોટલ સાથે ઝડપી લીધો, 8.68 લાખનો મુદ્દામાલ જપ્ત
ગઢકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે પીસીબીએ બે શખ્સોને પક્ડયા, બોટાદના શખ્સનું નામ ખુલતા શોધખોળ
રાજકોટ શહેરમાં પીસીબીની સાથે હવે ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટીવ મોડમાં આવી ગઇ છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ક્રાઇમ બ્રાંચે રાજસ્થાની શખ્સને 336ને દારૂની બોટલ, એક ક્રેટા કાર સહિત રૂા.8.68 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. જ્યારે પીસીબીએ રાજકોટની ભાગોળે આવેલા ગઢકા ગામ પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન એક કારને અટકાવી તલાશી લેતા 156 દારૂની બોટલ મળી આવી હતી. પીસીબીએ બે શખ્સોને ઝડપી રૂા.3.69 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો અને બંન્નેની પૂછપરછમાં બોટાદના શખ્સનું નામ ખુલતા તેમની શોધખોળ શરૂ કરાઇ છે.
મળતી વિગતો મુજબ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સોનારા, ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પોતાના ખાનગી વાહનમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્ક પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે એક ક્રેટા કાર અટકાવી કારમાં બેઠેલા ચાલકની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ નરેશ ઓમપ્રકાશ બ્રીશ્ર્નોઇ (રહે. ગામ-કબુલી તા.ધોરીમના જી-બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતુ. તેમજ કારની તલાસી લેતા તેમાંથી ઇમ્પીરીયલ બ્લુ વ્હિસ્કી અને રોયલ સ્ટગ વ્હિસ્કીની 336 બોટલ રૂા.1.68 લાખની મળી આવી હતી. જેથી તેમની ધરપકડ કરી કાર સહિત રૂા.8.68 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. આ દારૂનું જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાંથી લઇ આવ્યો? તે અંગે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જ્યારે પીસીબી શાખાના પીએસઆઇ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા અને કરણભાઇ મારૂ સહિતના સ્ટાફે રાજકોટની ભાગોળે આવેલા ગઢકા ગામથી આર.કે.યુનિવર્સિટી જવાના રસ્તે એક શંકાસ્પદ કારને અટકાવી તેમાં બેઠેલા બે શખ્સોની પૂછપરછ કરતા બન્નેએ પોતાનું નામ કુલદીપ ભાભલુભાઇ ખાચર(રહે. નડાળા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર) અને નિમેશ ઉર્ફે અભુ પ્રવિણભાઇ મેસવાણીયા (રહે. અજમેર ગામ તા.વીંછીયા) હોવાનું જણાવ્યું હતુ. કારમાં તલાશી લેતા તેમાંથી 156 મેકડોવેલ્સ નં.1 ડીલક્ષ વ્હીસ્કીની બોટલ મળી આવી હતી.
રૂા.3.69 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. તેમજ દારૂ બાબતે બન્નેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો બોટાદના ગઢડા તાલુકાના વનાળી ગામના ક્રિપાલસિંહ જયદેવસિંહ ગોહિલનું નામ ખુલતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતુ કે, નવરાત્રી આવતા જ બુટલેગરો એક્ટીવ થતા શહેરમાં પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડે તે પહેલા ક્રાઇમ બ્રાંચ અને પીસીબી શાખા એક્ટીવ થઇ ગઇ છે.