ઉપલેટામાં અંગત ઝઘડાને કોમવાદનું સ્વરૂપ અપાતા ટોળાં ઉમટ્યા
તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, પોલીસમાં કુલ ચાર ફરિયાદ દાખલ: વાતાવરણ બગાડતા તત્વો સામે કડક પગલા ભરવા ઉઠેલી માગણી
ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી કોમવાદ વધી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આ કિસ્સામાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો હોય તેમ ઉપલેટામાં શનિવારે રાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે થયેલી ગાળાગાળી અને મારામારીની બાબત કોમવાદ ઉપર ઉતારી દેવાય હોવાનું સામે આવ્યું છે જેમાં બબાલ બાદ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજથી લોકોના ટોળાને પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત કરવામાં આવ્યો હોવાની સૂત્ર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે અને સાથે જ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા બાદ ટોળાને રાજમાર્ગ ઉપર મુસ્લિમ વિસ્તાર સુધી લઈ જવાયો હતો જેમાં આ બબાલ બાદ વધુ ઘર્ષણ પેદા ન થાય તે માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગનો પોલીસ કાફલો ઉપલેટા ખાતે પહોંચ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે આ મામલે ચાર અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં બે સામસામે પોલીસ ફરિયાદ જ્યારે બે સરકાર તરફે પણ પોલીસ ફરિયાદ ખુદ પોલીસ દ્વારા ઘર્ષણ પેદા કરવાના મામલામાં દાખલ કરવામાં આવી છે.
આ બાબતમાં નોંધાયેલ ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદમાં એક ફરિયાદમાં ફરિયાદી મેહુલભાઈ કરસનભાઈ ચંદ્રવાડીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં તૈયબ સુરીયા, એઝાઝ માકા, અલ્તાફ ઉર્ફે જુબેર અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગાળાગાળી અને મારામારીની ફરિયાદ નોંધાવતા ઉપલેટા પોલીસે આ મામલે ચારેય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 54 મુજબ ફરિયાદ દાખલ કરેલ છે જ્યારે બીજી ફરિયાદ અલ્તાફભાઈ અલીમોહમ્મદભાઈ સુરીયા દ્વારા મેહુલ ચંદ્રવાડીયા તેમજ અન્ય ત્રણ અલગ અલગ વ્યક્તિઓ સામે પણ પોતાના માનસિક ભાઈની બોલેલ ગાળની બાબતને લઈને થયેલ બબાલમાં ગાળાગાળી અને મારામારીની બાબતમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ દાખલ કરી છે. ઉપલેટામાં બનેલી ઘટના બાદ ઉપલેટા પોલીસે પણ સરકાર તરફથી ફરિયાદ નોંધી છે જેમાં એ.એસ.આઈ. ધરમભાઈ પ્રેમચંદભાઈ કટોજ દ્વારા ફરિયાદ નોંધાવેલ છે જેમાં જીતુભાઈ કરસનભાઈ સુવા, મેહુલ કરસનભાઈ સુવા, મયુર દિનેશભાઈ સોલંકી, અશોકભાઈ નારણભાઈ ચંદ્રવાડીયા, ઈશાન ધર્મેન્દ્રભાઈ ચુડાસમા, દીપકભાઈ નારણભાઈ ચૌહાણ, જગદીશભાઈ છગનભાઈ ઘોરેચા, કેતનભાઇ ડેડાણીયા તેમજ અજાણ્યા 150 વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(5), 196(1)(બી), 299, 353(1)(સી), મુજબનો ગુનો દાખલ કર્યો છે ત્યારે હાલ ઉપલેટામાં વાતાવરણ ઘર્ષણ ભર્યું કે કોઈ વધુ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ મામલામાં વધુ એક ચોથી ફરિયાદ રવિવારે બપોરના સમયે ઉપલેટા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે જેમાં જીતુભાઈ કરસનભાઈ સુવા નામના વ્યક્તિ દ્વારા દિનેશભાઈ ચંદ્રવાડીયાના ઘર પાસે મુસ્લિમો દ્વારા હુમલો વાળા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ મેસેજ બાબતમાં હિંદુ મુસ્લિમ સમાજમાં ઘર્ષણ થાય તે પ્રકારના વાયરલ કરેલા મેસેજ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ઉપલેટા શહેરમાં કોમવાદ થતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દરેક સમાજના લોકોમાં થઈ રહેલી ચર્ચાઓ અનુસાર ઘણી અંગત બાબતોને અમુક વ્યક્તિઓ દ્વારા કોમવાદ બતાવીને વિવાદો થઈ રહ્યા છે ત્યારે અંગત બબાલને કોમવાદ ઉપર ઉતારી દેવાને કારણે વારંવાર ઉપલેટામાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જો આવું ને આવું અંગત ધીંગાણું કોમવાદ ઉપર વારંવાર ઉતારી દેવામાં આવશે તો સરકાર અને તંત્ર અંગત લાભ માટે કોમવાદ કરનારા વ્યક્તિઓની આ પ્રકારની વારંવાર જૂથવાદ ઉભો કરવાની વૃત્તિને કારણે ઉપલેટાને સંવેદનશીલ જાહેર કરી શકવાની પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ શકે છે.
વ્યક્તિગત ધીંગાણાથી કોમવાદના વારંવાર આવતા વિવાદોને કારણે સર્જાતી બબાલને લઈને ઉપલેટા શહેરને સંવેદનશીલ જાહેર કરશે તો ઉપલેટાના દરેક સમાજને નાના એવા પ્રસંગો, ઉત્સવો અને તહેવારો ઉજવવામાં પણ ખૂબ તકલીફ પડી શકે છે જેનું કારણ વ્યક્તિગત બબાલને કોમવાદનું સ્વરૂૂપ આપનારા અને જાણી જોઈને ઘર્ષણ પેદા કરવા માટેની પ્રેરણા અન્ય વ્યક્તિગત ઝઘડા અને બબાલને જાતિવાદ આપીને આવી પ્રવૃત્તિઓ કરનારા લોકોને કારણે થશે તેવી ચર્ચા દરેક સમાજમાં થઈ રહી છે .
આ ઘટના બાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસની કામગીરીને બિરદાવી હતી સાથે સાથે પોલીસી દ્વારા બંને પક્ષોના વ્યક્તિઓનું રીક્ધટ્રક્શન કરાવી બંને સામે ભલે એ હિન્દુ હોય કે મુસલમાન હોય કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો કે પોલીસે આ મામલે કુલ અલગ અલગ ચાર જેટલી પોલીસ ફરિયાદ નોંધ છે અને પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે .