ગઢકા ગામે સરકારી જમીનમાં ઝેરી પ્રવાહી ઠલવાતા નોંધાતો ગુનો
ગ્રામજનોએ સમજાવતા ચાલક ટ્રક મુકી ભાગી ગયો : પ્રવાહી આરોગ્યને નુકસાનકારક હોવાનો રિપોર્ટ આપતા ફરિયાદ નોંધાઇ
ગઢકા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ટેન્કર મારફત ઝેરી પ્રવાહી ઠલાવવામાં આવતું હોય જેનો રિપોર્ટ આવતા આ પ્રવાહી માણસોના આરોગ્યને નુકસાનકારક તથા હવા દૂષિત કરનારૂૂ હોવાનું અભીપ્રાય આપતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી. વધુ વિગતો મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા આઇસર ટ્રક નંબર જીજે 3 બીવી 7791 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 11/8/2025 ના ગઢકા ગામે રહેતા પંકજભાઈ નાનજીભાઈ ગઢીયાએ સરધાર ચોકીએ જઈ જણાવ્યું હતું કે, તા. 28/7/2025 ના તેમની વાડી જે ગઢકા ગામની સીમમાં આવેલી હોય ત્યાં વાડીની બાજુમાં આટો મારતા હતા ત્યારે બાજુમાં સરકારી ખરાબની જમીનમાં શંકાસ્પદ પાણી ભરેલું હતું.
ત્યારબાદ આ ખાડામાં અવારનવાર પાણી ઠલવાતું હોવાનું માલુમ પડ્યું હતું જે પર્યાવરણને નુકસાનકર્તા હોવાનું જણાવતા બાજુની વાડીવાળા ભરતભાઈ બોરીચા, પરેશભાઈ ઢોલરીયા બંનેને આ બાબતે વાત કરી હતી. ગઈ તા. 10/8 ના રાત્રીના દસેક વાગ્યે તેઓએ આ જગ્યાએ કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા શંકાસ્પદ પ્રવાહી ખાલી કરવા આવતો હોવાનું માલુમ પડતાં અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રિના બે વાગ્યા આસપાસ અહીં એક ટ્રક આવ્યો હતો અને ખાડા પાસે ટ્રક ઉભો રાખી ચાલકે લાઈટ બંધ કરી દીધી હતી. ત્યારબાદ ટાંકામાંથી પાઈપ વડે ઝેરી પ્રવાહી અહીં ઠલવ્યું હતું. જેથી પંકજભાઈ, ભરતભાઈ અને પરેશભાઈ અહીં પહોંચી જતા ચાલક ગાડી અહીં મૂકી ભાગી ગયો હતો. ટ્રકના નંબર જીજે 3 બીવી 7791 હતા.
ત્યારબાદ આ બાબતે પોલીસને જાણ કરી હતી તેમજ ગઢકા ગામના કેયુરભાઈ ઢોલરીયાએ પર્યાવરણ વિભાગની કચેરી ખાતે જાણ કરતા રાજકોટની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ના કર્મચારીએ અહીં આવી આ શંકાસ્પદ પ્રવાહીનું સેમ્પલ લીધું હતું. જેનો રિપોર્ટ આવતા આ પ્રવાહી ઝેરી હોવાનું અને માણસોના આરોગ્યને નુકસાનકારક તથા હવા દૂષિત કરનારૂૂ હોવાનું અભિપ્રાય આપ્યો હતો. બાદમાં આ મામલે અહીં ઝેરી પ્રવાહીનો નિકાલ કરનાર ટ્રકચાલક તથા તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.