ગોંડલ રોડ પર આવાસના પ્રમુખ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો
આરોપી દારૂ અને ગાંજો પીને આવી અવાર-નવાર માથાકૂટ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ગોંડલ પર એસટી વર્કશોપ પાછળ આવેલી વીર નર્મદ ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઈ લાડવા (ઉ.વ.46) ઉપર યશ ડાભી અને અજાણ્યા શખ્સે પાઈપના આડેધડ ઘા ઝીંકી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં કિશોરભાઈએ જણાવ્યું છે કે સોસાયટીના પ્રમુખ હોવાના નાતે અજાણી વ્યક્તિ ટાઉનશીપમાં આવે તો તેને રોકવાની તેની જવાબદારી છે. આરોપી યશ અવારનવાર ટાઉનશીપમાં આવતો હોવાથી તેને ટપાર્યો હતો. જેને કારણે તેને સારું લાગ્યું ન હતું. એટલું જ નહીં તેના વિરૂૂધ્ધ પોલીસમાં અરજી પણ આપી હતી.જેનો ખાર રાખી ગઈ તા. 25ના રોજ રાત્રે જ્યારે ઘરે હતા ત્યારે યશ અને અજાણ્યા શખ્સે આવી પાઈપના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. સાથોસાથ ગડદાપાટુનો બેફામ માર મારી, ગાળો ભાંડી હતી. આરોપી યશે કહ્યું કે તું મને ટાઉનશીપમાં આવતા કેમ રોકે છે, મારા વિરૂૂધ્ધ કેમ પોલીસમાં અરજી કરે છે.
હુમલાને કારણે કિશોરભાઈ લોહીલુહાણ થઈ જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને જમણા પગ તેમજ હાથના કાંડામાં ફ્રેકચર થઈ ગયાનું જણાવ્યું હતું. જમણી આંખની ઉપરના ભાગે પણ ઇજા થઈ હતી.આ અંગે ત્યાં રહેતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, યશ ડાભીનો આતંક છે.આજે સોસાયટીના પ્રમુખના ઘરમાં ઘસે હુમલો કર્યો છે, તો કાલે સવારે અન્ય ઘરોમાં પણ તે ઘૂસી શકે છે. અહીં બહેન અને દીકરીઓ પણ અસુરક્ષિત છે, ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક આ શખ્સની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી છે.
તેમજ યશ ડાભી નામનો શખસ અહીં દારૂૂ અને ગાંજો પીને આવે છે. તે આ ટાઉનશિપમાં ન રહેતો હોવા છતાં પણ અવારનવાર અહીં આવે છે. ગત નવરાત્રિમાં પણ તે અહીં આવ્યો હતો. તે શખસ સોસાયટી બહારનો હોવાથી પ્રમુખ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો.ત્યારે યશ ડાભીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
