ગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયો
કુલ 1918 નંગ ફેવીકવીક જપ્ત : ત્રણ આરોપીના નિવેદન લેવાયા
રાજકોટ શહેરના ગાંધીગ્રામના એસકે ચોકમાં ત્રણ દુકાનમાં દરોડા પાડવામાં આવતાં ત્યાંથી ત્રણ વેપારી ડુપ્લીકેટ ફેવીકિવક વેચતા હોવાનું માલુમ પડયું હતું તેમની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ ડુપ્લીકેટ ફેવીક્વિક 1918 નંગ કબજે કર્યા છે.
બનાવની વધુ વિગતો અનુસાર ઉતરપ્રદેશના ગાજીયાબાદના આકાશનગરમાં રહેતા અંકુરશર્મા રાજકુમાર શર્મા પંડિત (ઉ.વ.30)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ એસ.કે. ચોકમાં રહેતા મુકેસ રમેશ ડાંગર, આશીષ દિનેશભાઈ વાઢીયા અને દિપક સોસાયટી મેઈન રોડ પર રહેતા રવિ હરસુખલાલ રાયચુરાનું નામ આપતાં તેમની સામે કોપીરાઈટ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસનાં હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી તપાસ ચલાવી રહ્યાં છે.
ફરિયાદી અંકુર શર્માએ જણાવ્યું હતું કે તેઓ નોઈડા ખાતે આવેલ સેમીના લીગલ એડવોકેટસ એન્ડ સોલીસીટોરર્સ નામની કંપનીમાં ફીલ્ડ એકઝીકયુટર તરીકે દોઢ વર્ષથી નોકરી કરે છે. આ કંપનીને ફેવીકવીક કે ફેવીકોલનું લોગો કે ચિત્રોનું કોપી કરી વેચાણ કરે તો તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
ભારતમાં અલગ અલગ શહેરીમાં દુકાનો પર જઈ ફેવીકોલ અને ફેવીકવીકની ખરીદી કરીએ છીએ અને તેમાં ચિત્રો કે લખાણનું કોપીરાઈટ અંગે જણાય આવે તો પોલીસ સ્ટેશનને જાણ કરી વેપારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
તા.15/05નાં રોજ સાંજે ગાંધીગ્રામ વિસ્તારમાં એસ કે.ચોકમાં અલગ અલગ દુકાનોમાં તપાસ કરતાં ત્યાં ત્રણ દુકાનોમાં ડુપ્લીકેટ ફેવીકવિક વેંચાતી હોવાનું માલુમ પડતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડકોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી અને શબ્બીરભાઈ મલેક સહિતનાને સાથે રાખી તેમજ પંચોની હાજરીમાં તપાસ કરાવી ત્રણ વેપારી મુકેશ રમેશ ડાંગર, આશિષ દિનેશભાઈ વાઢીયા અને રવિ હસમુખલાલ રાયચુરાને ત્યાંથી ડુપ્લીકેટ ફેવીકવિક મળી આવી હતી અને તેઓની સામે કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેય પાસેથી કુલ 1918 નંગ ફેવીકવિક સહિત રૂા.9590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.