આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં ગઈકાલે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ એસેસરીઝ ના વેચાણ સંદર્ભમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પાંચ મોબાઇલ વિક્રેતાઓ પાસેથી ડુપ્લીકેટ સામાન મળી આવ્યો હોવાથી તેઓ સામે કોપી રાઈટ ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે
જામનગર શહેરમાં મોબાઇલ ફોન વેચાણની અનેક દુકાનોમાં આઈફોન કે જેની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે આઈફોન ની મોબાઇલ કંપનીના પ્રતિનિધિઓની ટિમ ગઈકાલે જામનગર આવી પહોંચી હતી, અને સ્થાનિક પોલીસને સાથે રાખીને અનેક દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.
જે ચેકિંગ દરમિયાન પાંચ દુકાનોમાં આઈફોન ની ડુપ્લીકેટ એસેસરીઝ નો સામાન વેચાઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને પોલીસની હાજરીમાં તે સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અમદાવાદ થી આવેલા કંપનીના પ્રતિનિધિ વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાંચ વેપારીઓ સામે કોપી રાઈટ ભંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં 1) મહેબુબ મહમદભાઇ મેતર જાતે ગરાણાની ન્યુ મોબાઈલ કોમ, 2) વિનોદભાઇ પરસોતમભાઇ કટેશીયા ની જય માતાજી મોબાઈલ પોઇન્ટ નામની દુકાન, 3) શરફરાજભાઇ યુનીશભાઇ તાશમાણી ની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન, 4) કલીમભાઇ હનીફભાઇ બ્લોચ ની માલિક ની યુઝ એન્ડ બાય નામની દુકાન તેમજ 5) હાસમભાઇ ઇકબાલભાઇ ફુલવાલા જાતે મેમણ ની સેલ પોઇન્ટ નામની દુકાન કે જેમાંથી કુલ 7,65,000 ની ડુપ્લીકેટ એસેસરી નું સાહિત્ય મળી આવ્યું હોવાથી તમામ જથ્થો જપ્ત કરી લઈ પાંચેય વેપારીઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે.