વેરાવળમાં આતંક મચાવનાર વાંદરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
વેરાવળ શહેર પંથકમાં આંતક મચાવનાર વાંદરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી ગેંગના લીડર સહિત 14 સાગરીતોની એલસીબીએ ધરપકડ કરી છે. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, ગૌ તસ્કરી-કતલ, રાયોટીંગ, મારામારી, લુંટ, ફરજ રૂૂકાવટ, મહિલા અત્યાચારના 196 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, વેરાવળ સોમનાથ શહેર પંથક અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર ફકીર અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ પટણીએ સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે વાંદરી ગેંગ નામની ટોળકી બનાવીને અનેક પ્રકારના ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ફેલાવ્યુ હતું. આ ગેરકાયદેસર ગતિવીધીઓ વાંદરી ગેંગ માટે આજીવિકાનું સાધન બની ગયેલ હોવાથી ટોળકીના સાગરીતો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરી અટકાવવાની પરિસ્થિતિ ઉદભવી હતી. જેથી ગેંગના લીડર વસીમ ઉર્ફે ભુરો અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો સહિત કુલ 14 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ-2015 ની કલમ 3(1)ની પેટા (2), કલમ-3(2), કલમ-3(4) હેઠળ વેરાવળ પોલીસમાં ગુનો દાખલ કરી ઝડપી લેવામાં આવ્યા છે. વાંદરી ગેંગના સાગરીતોએ છેલ્લા દસ વર્ષ દરમ્યાન પ્રાણઘાતક હથિયારો સાથે રાયોટીંગ, મારામારી, જાનમાલ મિલ્કત સબંધીમાં લુંટ, પશુ તસ્કરી, ગૌવંશ હત્યા, પ્રોહીબીશન, હથિયાર ધારા, સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજ રૂૂકાવટ, ખંડણી, હદપારી ભંગ, સ્ત્રી અત્યાચારના, મોબાઇલ ફોન ઉપર ધાકધમકી આપવાના કુલ-196 ગુનાઓ આચારેલ છે. આ ગુનાઓમાંથી ટોળકીના ગેંગલીડરો તથા સાગરીતોએ એકબીજા સાથે મળીને સમાન ઇરાદો પાર પાડવા 53 જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જાણવા મળેલ જેના આધારે ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે.