પશુબલી અટકાવતા પથ્થરમારો કરનાર 200ના ટોળા સામે ગુનો
ગોંડલ રોડ ઉપર માંડવામાં જાથા અને પોલીસે રેડ કરતા ધમાલ, સરકારી ગાડીઓમાં તોડફોડ, પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો
સાત બોકડાના કપાયેલા માથા મળ્યા, રાયોટિંગ, ફરજમાં રૂકાવટ, સરકારી મિલકતને નુકસાનનો ગુનો નોંધાયો
ગોંડલ ચોકડી પાસે આવેલ શિવ હોટેલ પાછળ માતાજીના માંડવામાં પશુબલી અટકાવવા ગયેલ પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરી રીક્ષા તથા પીસીઆરવાનમાં તોડફોડ કરતા મામલો તંગદીલી બન્યો હતો.બનાવના પગલે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા અને પાંચ શખસો સામે પશુબલી ચડાવવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે 150થી 200 લોકોના ટોળા સામે રાયોટિંગ,સરકારી મિલકત નુક્શાન અને પોલીસની ફરજમાં રુકાવટ અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેમદીપ વ્રજલાલભાઈ મારવનીયાની ફરિયાદ પરથી ભાવેશભાઈ અરજણભાઈ વીકાણી રહે.નારાયણનગર રાજકોટ, રાજેશભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા, કાળુભાઇ વાલજીભાઇ ગોરસવા, હાર્દિક હરીભાઇ સોલંકી,ગોવિંદભાઇ બટુકભાઇ સોલંકી, વિકીભાઇ દામજીભાઇ સોલંકી,રોહિતભાઇ પરસોતમભાઇ પરમાર,સંદિપ પરસોતમભાઇ પરમાર,હિતેષભાઇ મનજીભાઇ સોલંકી,સની મનજીભાઇ સોલંકી, દિપક રમેશભાઇ જસાણીયા,રાહુલ સામતભાઇ ડાભી,પ્રવિણભાઇ રવજીભાઇ જાડેજા,પ્રકાશ રમેશભાઇ જસાણીયા તેમજ બીજા 150 થી 200 માણસોનો ટોળુ તથા તપાસમાં ખુલે તે તમામ સામે રાયોટ,સરકારી મિલકત નુકશાન,ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ,રાજકોટના ગોંડલ રોડ પરના વેલનાથપરામાં પશુ બલી અંગે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ઉપર ટોળાએ પથ્થરમારો કરી,ધોકા વડે હુમલો કરતાં નાસભાગ મચી ગઈ હતી.આખરે ટોળાને વિખેરવા પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આજી ડેમ પોલીસે ટોળા સામે ગુનો નોંધી ધરપકડ શરૂૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ,મેટોડા જીઆઈડીસીમાં રહેતાં ભાનુબેન ગોહિલ વિજ્ઞાન જાથામાં સેવા આપે છે. ગઈકાલે રાત્રે તેને ગોંડલ રોડ ઉપર દોલતપરા સોસાયટી શેરી નં.1માં 10 જેટલા નર બકરાની બલી ચડાવાયાની માહિતી મળતાં ત્યાં ગયા હતા.બલી ચડાવાયાની ખાતરી થતાં નિકળી ગયા હતા.આજે સવારે અન્ય કાર્યકરો સાથે ફરીથી દોલતપરા સોસાયટી 1માં ગયા હતા ત્યારે મંડપમાં કાર્યક્રમ ચાલુ હતો. જયાં સાત બોકડા કાપીને તેના કાપેલા માથા જોવા મળ્યા હતા. જેની નજીક છરીઓ પડી હતી. એક તપેલામાં માંસ, બીજા તપેલામાં લોહી ભરેલું જોવા મળ્યું હતું.વિજ્ઞાન જાથાના કાર્યકરોને જોઈ ત્યાં હાજર ટોળાએ માથાકૂટ શરૂૂ કરી હતી.
જેથી પોલીસ બોલાવતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.પોલીસ સમજાવટ કરી મામલો થાળે પાડતી હતી ત્યાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂૂ કરી દીધો હતો. એટલું જ નહીં ધોકા વડે હૂમલા પણ શરૂૂ કરી દીધા હતા.જેને કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.જાણ થતાં આજી ડેમના પીઆઈ એ.બી. જાડેજા સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ટોળાને વિખેરાઈ જવાની ચેતવણી આપી હતી. પરંતુ ટોળું નહીં વિખેરાતા આખરે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આબનાવ ગોંડલ રોડપરનાવેલનાથપરા શેરી નં. 1માં બન્યો હતો. આજી ડેમ પોલીસે તત્કાળ સ્થળ પરથી ટોળામાં સામેલ 14 શખ્સોને ઝડપી લીધા હતા. ટોળાએ કરેલા હુમલામાં પીસીઆર વાનના અને રિક્ષાના કાચ ફૂટી ગયા હતા. ત્યાં પડેલી ખુરશીઓમાં પણ નુકસાની થઈ હતી. એએસઆઈ હેમદિપ મારવણીયાએ 150 થી ર00ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.ડીસીપી બાંગરવાએ જણાવ્યું કે હુમલામાં એકાદ પોલીસમેનને સામાન્ય ઈજા થઈ છે. આજીડેમનાપીઆઈએ પોતાની પિસ્તોલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ભરબપોરે મામલો તંગદીલી બનતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પથ્થરમારો કરનારા ટોળામાંથી અમુક શખસો નાશી છુટતા પોલીસે આસપાસના ઈન્સ્ટ્રીઝ એરીયામાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસવા તજવીજ હાથ ધરી છે.
દેવીપૂજક સમાજે પોલીસને કહ્યું, પશુબલી ચડાવવી એ અમારો રિવાજ છે તમે વચ્ચે ના પડો!
દોલતપરામાં દેવીપૂજક સમાજ દ્વારા રખાદાદાના માંડવામાં પશુ બલી ચડાવતા ત્યાં વિજ્ઞાન જાથા અને આજીડેમ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને સમાજના લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા.ત્યારે આરોપીઓ કહેતા હતા કે તમે અમારા સમાજના રિવાજોમાં વચ્ચે ના પડે અને ટોળાને વિખેરવા પ્રયાસ ચાલુ હતો તેવામાં એક આરોપીએ પોલીસનો કાંઠલો પકડી લીધો હતો અને અન્ય આરોપીઓએ પથ્થરના ઘા ઝીંકી તોડફોડ કરી હતી.
ધરપકડ કરાયેલા 14 આરોપીઓના નામની યાદી
પોલીસ ઉપર હુમલો કરવામાં 14 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા. જેમાં ભાવેશ વિકાણી, રાજેશ ચુડાસમા, કાળુ ગોરસવા, હાર્દિક સોલંકી, ગોવિંદ સોલંકી, વીકી સોલંકી, રોહિત પરમાર, સંદિપ પરમાર, હિતેષ સોલંકી, સન્ની સોલંકી, દિપક જસાણીયા, રાહુલ ડાભી, પ્રવીણ જાડેજા અને પ્રકાશ જસાણીયાનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ આરોપી ભાવેશે ત્યાં હાજર 150 થી 200 શખ્સોના ટોળાને ઉશ્કેર્યો હતો. જે ટોળાએ પછીથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
7 પશુની બલી ચડાવનાર પાંચ શખ્સો સામે અલગથી ગુનો નોંધાયો
ગોંડલ ચોકડી સ્થિત શિવ હોટેલ પાછળ દેવીપુજક સમાજના દેવ રખાદાદાના માંડવાનું ગઈકાલ રાત્રીના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતથી વધુ બોકડાની બલી ચડાવવામાં આવી હતી.અને 7 બોકડાના ધડ ત્યાં હાજર મળી આવ્યા હતા.પશુ બલી ચડાવનાર હકુભાઈ મેઘજીભાઈ વાળા, મુળજીભાઈ વિરજીભાઈ સાડમીયા, રોહીતભાઈ ભરતભાઈ સોવેસીયા, પ્રતાપભાઇ કનુંભાઈ સોલંકી અને અરવિંદભાઈ મુકેશભાઈ સોલંકી સામે ગુનો નોંધાયો હતો જેમાં વિજ્ઞાન જાથાના કાર્યકર ભાનુબેન ફરિયાદી બન્યા હતા.