એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરનાર પિતા-પુત્ર સામે ગુનો
વેરાવળ કોર્ટના હુકમથી ગુનો નોંધાયો
તાલાલા પોલીસ સ્ટેશનમાં એક નવો કેસ નોંધાયો છે, જેમાં ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આરોપી બન્યો છે. આ કેસની શરૂૂઆત 10 એપ્રિલ 2018ના રોજ થઈ હતી, જ્યારે સાંગોદ્રા ગામના નાથાભાઈ ભીમાભાઇ રાઠોડે બે મોમીન સમાજના ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી હતી.
નાથાભાઈએ આરોપ મૂક્યો હતો કે ખેતીની જમીનના વિવાદમાં આરોપીઓએ તેમની જાતિનું અપમાન કર્યું અને બળજબરીથી ઝેરી દવા પીવડાવી હતી. આ કેસની તપાસ વેરાવળ ડીવાયએસપી ચાવડા અને ગીર સોમનાથ એસસી-એસટી સેલના ડીવાયએસપી બાંભણિયાએ કરી હતી.
2019ના ઓગસ્ટમાં વેરાવળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. એડિશનલ જજની કોર્ટમાં કેસ ચાલ્યો, જ્યાં ફરિયાદી, સાક્ષીઓ અને તપાસ અધિકારીઓની જુબાની લેવામાં આવી. કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓમાં ન તો બળજબરીથી દવા પીવડાવવાની ઘટના સાબિત થઈ, કે ન તો એટ્રોસિટીનો કોઈ બનાવ સાબિત થયો.
વેરાવળના બીજા એડિશનલ જજ જે.જે. પંડ્યાના આદેશ અનુસાર, તાલાલા પોલીસે નાથાભાઈ અને તેમના પુત્ર કાનજીભાઈ સામે ખોટી ફરિયાદ અને કોર્ટમાં ખોટા પુરાવા આપવા બદલ કોર્ટના હુકમથી તાલાલા પી આઈ જે એન ગઢવીએ ગુનો નોંધ્યો છે. તાલાલા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ખોટી ફરિયાદોથી દૂર રહે, જેથી પોલીસ અને કોર્ટનો કિંમતી સમય બગડે નહીં. આવી ખોટી ફરિયાદો કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.