ક્રેડિટ કાર્ડની એપ અપડેટ કરવાની છે, ફર્નિચરના ધંધાર્થીએ લીંક ખોલતાં જ 85 હજાર ઉપડી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે. સાયબર ગઠીયાઓ અવનવી તરકીબો અજમાવી લોકોના નાણાં પડાવી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં ફર્નિચરના ધંધાર્થીને સાયબર ગઠીયાએ ફોન કરી આરબીએલ બેંકના અધિકારીની ખોટી ઓળખ આપી ક્રેડીટ કાર્ડની એપ અપડેટ કરવાનું કહી વોટસએપમાં લીંક મોકલી હતી. જેથી ધંધાર્થીએ વોટસએપમાં આવેલી લીંક ખોલતા જ તેના ખાતામાંથી રૂા.85 હજાર ઉપડી ગયા હતાં. સાયબર છેતરપીંડી અંગે ફર્નિચરના ધંધાર્થીએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સદ્ભાવના રેસીડેન્સી શેરી નં.1માં રહેતા અને ફર્નિચરનું કામ કરતાં સંજયભાઈ મહેશભાઈ વડગામા (ઉ.36) એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ આરબીએલ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય દરમિયાન ગત તા.12-2-2025ના સાંજે તેઓ આહીર ચોક પાસે આવેલ પાનની દુકાને બેઠા હતાં ત્યારે તેના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેની વ્યક્તિએ ‘હું આરબીએલ ક્રેડીટ કાર્ડમાંથી બોલું છું, તમારી આરબીએલની એપ્લીકેશન અપડેટ કરવાની છે, તમને વોટસએપમાં લીંક ફાઈલ મોકલી છે’ તેમ કહેતા સંજયભાઈએ તેના મોબાઈલમાં વોટસએપમાં આવેલી એપ્લીકેશન લીંક ફાઈલ ખોલતાં તુરંત જ તેના એકાઉન્ટમાંથી રૂા.82,911 અને રૂા.1647 ડેબીટ થવા અંગેનો મેસેજ આવેલો જેથી તેમણે તેના મોબાઈલમાં આરબીએલની એપ્લીકેશનમાં જોતાં એમેઝોન મુંબઈમાં રૂા.82,911 અને ગોરેગાંવ મોબીક્વિક સીસ્ટમમાં રૂા.1647 ટ્રાન્સફર થયા અંગેનું દેખાડતાં હોય જેથી તેઓ આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતાં.
પરંતુ આ વિસ્તાર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં હોય જેથી તેમણે મોબાઈલમાંથી સાયબર હેલ્પલાઈન નંબર 1930 ફોન કરી સાયબર છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તેમની લેખિત ફરિયાદ નોંધી પોલીસે સાયબર છેતરપીંડી આચરનાર ગઠીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.