જેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદ
જેતપુર શહેરના ધારેશ્વર રોડ પર જયરાજ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં એક પરપ્રાંતીય મજૂરનું તેના સાથી મજુરે લાકડાંના ધોકા તેમજ ઢીકાપાટુનો મારમારી હત્યા નિપજાવી નાખ્યાંનો ત્રણ વર્ષ પૂર્વનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. શહેરના ધારેશ્વર રોડ પર જયરાજ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું આવેલ છે. આ કારખાનાના માલીક રાજનભાઈ પડીયાએ 21 ઓક્ટોબર 2022માં સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવેલ કે, તેમના કારખાનામાં મજૂરી કામ કરતા યુપીના જયશંકર ઉર્ફે ગુડુ ગોરખનાથ વર્માની સાથી મજૂર જુગલકિશોર શર્મા ઉર્ફે જગાએ કોઈ કારણસર લાકડાંના ધોકા તેમજ ઢીકાપાટુનો મારમારી હત્યા નિપજાવી નાંખી છે. આ હત્યા અંગેના કારખાના જે તે વખતે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં.હત્યાના બનાવનો આ કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ કેતન પંડ્યાની દલીલ, સાંયોગીક પુરાવા તેમજ સાહેદોના નિવેદનના આધારે સેસન્સ જજ એલ.જી. ચુડાસમાએ આરોપી જગાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.