પુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
જસદણના બાખલવડ ગામે રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતી હતી ત્યારે એક શખ્સ પીછો કરી છેડતી કરતો હતો. પુત્રીની છેડતી મુદે પિતાએ આપેલા ઠપકાનો ખાર રાખી ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના બાખલવડ ગામે રહેતા વિનુભાઈ ભનાભાઈ ધોળકિયા નામના 48 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં પોતાની કરિયાણાની દુકાને હતા ત્યારે સુનિલ વિનુ પલારીયા, તેના મામાનો દીકરો વિમલ અમરશી અને કિશોર અમરશી સહિતના શખ્સો દુકાને ધસી આવ્યા હતા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વિનુભાઈ ધોળકિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં વિનુભાઈ ધોળકિયાની પુત્રી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતી હતી ત્યારે હુમલાખોર સુનિલ પલારીયા તેનો પીછો કરી છરી બતાવી ચાલ બાઈકમાં બેસી જા તેમ કહી છેડતી કરતો હતો જે મુદ્દે વિનુભાઈ ધોળકિયા પુત્રીની છેડતી કરનાર સુનિલ પલારીયાને સમજાવા ગયા હતા. જેનો ખાર રાખી દુકાને ધસી આવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.