સરધાર પાસેથી જાલી નોટો સાથે ઝડપાયેલી બે મહિલાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટનાં સરધાર પાસેથી બે મહિલાને પોલીસે બાતમીના આધારે જાલી નોટો સાથે ઝડપી લેવામાં આવી હતી. જેની પુછપરછ બાદ રાજકોટમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી બનાવટી ચલણી નોટો બનાવતાં શખ્સને પણ ઉઠાવી લીધો હતો. જે ગુનામાં સંડોવાયેલી બન્ને મહિલાને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટ આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ વર્ષ 2018માં સરધાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વહીદાબેન હારૂનભાઈ રામોડીયા અને મંજુબેન ભરતભાઈ રાણીંગાને જાલી નોટો સાથે ઝડપી લીધી હતી. બન્ને મહિલાઓની પુછપરછ દરમિયાન વહીદાબેન રોમડીયાના ઘરે બોગસ ચલણી નોટો છાપવામાં આવતી હોવાનું કહેતા પોલીસે રાજકોટમાં રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં દરોડો પાડી વસંત જનકભાઈ હાડા નામના શખ્સને પણ ઉઠાવી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે કલર્સ સ્કેનર પ્રિન્ટર અને કોરા કાગળો સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ અદાલતે જાલી નોટો સાથે ઝડપાયેલી વહીદાબેન રોમડીયા અને મંજુબેન રાણીંગાને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષીત કલોલા અને સમીર ખીરા રોકાયા હતાં.