કલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના રામા ઉર્ફે રામદે માલદે ભાંગરાએ પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં ગેરકાયદેસર રીતે 14.260 મેટ્રિક ટન દરિયાઈ ખેતી રેતીનું વહન કરવા ઉપરાંત અન્ય એક શખ્સ એવો લાંબા ગામનો આલા લાખા ભાંગરાએ પણ પોતાના ટ્રકમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર 14.360 મેટ્રિક ટન ખનીજ ભરીને વહન કરવા અંગેનો બનાવ તા. 19 જુલાઈ 2019 ના રોજ ખુલવા પામ્યો હતો. આટલું જ નહીં, આ શખ્સ દ્વારા અન્ય એક મોટરસાયકલનો પણ આ ખનીજ ચોરીમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
કલ્યાણપુર વિસ્તારના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાંબા ગામ નજીકના દરિયા કિનારેથી 613.10 મેટ્રિક દરિયાઈ રેતી (ખનીજ)નું ખનન થયું હોવાનું જાહેર થયું હતું. આ પ્રકરણમાં આરોપીઓને રૂૂ. 4,87,389 ની રકમનો ફટકારવામાં આવેલો દંડ ન ભરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના માઈન્સ સુપરવાઇઝર બી.જી. ગોહિલ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. તેમજ માઈન્સ એન્ડ મિનરલ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ તથા ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલલીગલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે તપાસનીસ અધિકારી કે.એ. ચાવડા દ્વારા તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાના એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરીની અદાલતમાં ચાલી જતા આ પ્રકરણમાં માઈન્સ સુપરવાઇઝર બી.જી. ગોહિલની જુબાની તેમજ અન્ય આધાર પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ સવિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ, નામદાર અદાલતે આરોપી રામા ઉર્ફે રામદે માલદે ભાંગરા અને આલા લાખા ભાંગરાને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદ અને રૂૂ. 60 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.