For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

12:13 PM Jan 31, 2025 IST | Bhumika
રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકિકત મુજબ વર્ષ -2011માં હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ પુરો થઈ જતા કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાકટ રીન્યુ કરવા રાજકોટ ખાતે ડીવીઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી રમેશ ભગવાનભાઈ તોલાણીને અરજી આપેલ હતી. આ અરજી આપ્યા બાદ 6 માસ સુધી રીન્યુઅલનો હુકમ થયેલ ન હોવા છતા ડીવીઝનલ મેનેજર રમેશ તોલાણીએ ફરીયાદીને પાણી પુરુ પાડતા રહેવાની સુચના આપેલ હતી. 6 માસ સુધી આરોપીએ કોન્ટ્રાકટ રીન્યુ કરેલ ન હતો તેમ છતા ફરીયાદીને પાણી પુરુ પાડવાની સુચના આપેલ હોવાથી ફરીયાદીએ માર્ચ-2011 સુધી પાણી પુરુ પાડેલ. આ 6 માસ સુધીના પાણીનું કોઈ જ બીલ બનેલ ન હતુ પરંતુ ડીવીઝનલ મેનેજર રમેશ તોલાણીએ તમામ બીલો પાસ કરાવી આપવાની ખાતરી આપેલ હતી.

અંતમાં ફરીયાદીએ પોતાના બીલોને પાસ કરાવવા માટે આગ્રહ કરતા ડીવીઝનલ મેનેજર રમેશ તોલાણીએ રૂૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી જે લાંચની રકમ આપવા માંગતા નહિ હોવાથી એ.સી.બી.માં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવેલ હતી જે દરમ્યાન આરોપી પોતાની ઓફીસમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયેલ હતા. જે લાંચ કેસ ચાલવા ઉપર આવતા બચાવ પક્ષે રજુઆત કરવામાં આવેલ હતી કે, આરોપીએ કોઈ લાંચની રકમ માંગેલ નથી પરંતુ ફરીયાદીને નવા કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર આપેલ હોવાથી ફરીયાદીએ રૂૂ.40,000/- રાજી ખુશીથી આપેલ છે. જ્યારે સરકાર તરફે સરકારી વકિલ એસ. કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ફરીયાદીએ આ રકમ સ્વખુશીથી આપેલ હતી. કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે વકીલે રકમ સ્વીકારાયા હોવાનો જ ઈન્કાર કરેલ છે. આ રીતે આરોપી જયારે ટ્રેપના અંતે એક ચોકકસ પ્રકારનો બચાવ લેતા હોય ત્યારે તેમના વતી વકીલ દવારા લેવામાં આવેલ બચાવ વિરોધાભાસી હોવો જોઈએ નહીં. બંને બચાવ વિરોધાભાસી હોય ત્યારે પ્રોસીકયુશનનો કેસ વધુ મજબુત બને છે.

Advertisement

વધુમાં રજુઆત કરવામાં આવેલ કે કોઈ સરકારી કર્મચારી ફરીયાદી પાસેથી તેમની રાજીખુશી હોવા છતા કોઈ રકમ સ્વીકારે તો તે પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમનની જોગવાઈ મુજબ લાંચની રકમ જ ગણાય છે. ફરીયાદીને પોતાની લેણી રકમ માટે મજબુર સ્થિતિમાં મુકી દીધા બાદ તેઓ રાજીખુશીથી કોઈ રકમ આરોપીને આપે તે સામાન્ય સમજથી બહારની વાત છે. હાલના કિસ્સામાં આરોપીએ પાણીનો કોન્ટ્રાકટ રીન્યુ કરેલ ન હોવા છતા 6 માસ સુધી હડમતીયા રેલ્વે સ્ટેશને ફરીયાદી પાસે પાણી મંગાવેલ છે. આ પાણીની કોઈ રકમ ન ચુકવી આરોપીએ ફરીયાદીને લાંચ આપવા માટે મજબુર કરી તેનો લાભ ઉઠાવેલ છે તેથી આ વર્તણુંક લાંચથી પણ વધુ ગંભીર ગુનો ગણવો જોઈએ. સરકાર તરફેની રજુઆતોના અંતે પ્રિન્સીપાલ સેશન્સ જજ વી.બી. ગોહિલે આરોપી રમેશ ભગવાનભાઈ તોલાણી (ઉ.વ. 55)ને 3 વર્ષની કેદની સજા અને રૂૂ.15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement