ધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
24 લાખ ફરિયાદીને વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ
ધોરાજીના વેપારીને તેના ભાગીદારે આપેલ યેક રિટર્ન થતા વેપારી દ્વારા ધોરાજી કોર્ટમાં ભાગીદાર સામે કેસ કરાતા ધોરાજી કોર્ટે ભાગીદારને ચેક રીટર્નના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે ધોરાજીના વેપારી નટવરલાલ પરબતભાઈ ઠેસીયાએ હિમાંશુ કાંતિલાલ ઠેસીયા રહે રાજકોટ, સાથે ભાગીદારીમાં ફુટવેર નો ધંધો શરૂૂ કરેલ.
જેમાં ફરિયાદીની ભાગીદારી પેઢીમાં આરોપી હિમાંશુભાઈને 25% ભાગીદાર બનાવી વર્કિંગ પાર્ટનર તરીકે ધંધામાં ભેળવેલ અને આ રીતે ભાગીદારી શરૂૂ કરેલ અને આરોપી અને ફરિયાદીએ બંનેએ મળી ધંધો વિકસાવેલ અને રાજકોટ મુકામે આરોપીના હસ્તક બે જગ્યાએ અલગ અલગ ગોડાઉનો પણ રાખેલ અને ફરિયાદી એ ફૂટવેરના ધંધા નો માલ ખરીદ કરી ગોડાઉનમાં રાખેલ જેમાં ફરિયાદીએ રૂૂપિયા 24,00,000/- અંકે રૂૂપિયા ચોવીસ લાખ પુરા નો માલ નાખેલ અને આ રકમ ફરીયાદી એ પોતાની ખેતીની જમીન ની ઉપજ નીપજમાંથી રોકાણ કરેલ. પરંતુ આરોપીએ ફરિયાદી પ્રત્યે કોઈ ઇમાનદારી રાખેલ નહીં અને ભાગીદારીના ધંધામાંથી અલગ ધંધો તારવવા પ્રયત્ન કરતા ફરિયાદીને શંકા જતા આ બાબતે આરોપીને પૂછપરછ કરતા આરોપીએ તારીખ 07/10/2015 ના રોજ બાહેંધરી ખત લખી આપી ફરિયાદીની મૂડી રૂૂપિયા ચોવીસ લાખ તથા અન્ય મૂડી પચાસેક લાખ જેવી જે ફરિયાદી એ રોકેલ તેની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી અને હિસાબી ચોપડા પણ પોતાના કબ્જામાં રાખેલ. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ભાગીદારી છૂટી થયાનો દસ્તાવેજ રાજકોટ મુકામેથી તૈયાર કરાવી પોતાની સહી કરી ફરિયાદીને સહી કરવા માટે દસ્તાવેજ મોકલેલ.
જેથી ફરિયાદીને ખૂબ જ આઘાત લાગેલ અને ફરિયાદીએ આરોપીને રૂૂબરૂૂ મળી તમામ વ્યવહારોનો નિકાલ કરવા જણાવતા આરોપીએ ગોડાઉન વાળા ફૂટવેરના બધા હિસાબો પંકજ ફૂટવેર એટલે કે પોતાના ભાઈ સાથેની ભાગીદારીના ધંધામાં ટ્રાન્સફર કરી નાખેલ અને ફરિયાદીની મૂડી પરત કરવા માટે રૂૂપિયા ચોવીસ લાખનો ચેક ફરિયાદીને આપેલ અને બીજો ચેક રૂૂપિયા પચાસ લાખ સતાવન હજાર આઠસો પચાસ પુરાનો આપેલ જે ચેક ફરિયાદીએ વટાવવા માટે બેન્ક ઓફ બરોડા ધોરાજી શાખામાં પોતાના ખાતામાં નાખતા ચેક વગર વટાવવા એ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે ફરીયાદી ને પરત મળેલ જેથી ફરિયાદીએ આરોપી હિમાંશુ કાંતિલાલ ઠેસીયાને પોતાના વકીલ મારફત નોટિસ મોકલેલ પરંતુ આરોપીએ નોટિસ મુજબ અમલવારી નહીં કરી નોટિસનો ઉડાવ જવાબ મોકલાવેલ જેથી નટવરભાઈ ઠેસીયાએ ધોરાજી ચીફ કોર્ટમાં હિમાંશુ કાંતિલાલ વિરુદ્ધ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદમાં ફરિયાદીનો પુરાવો તથા મૌખિક દલીલો તેમજ ઉચ્ચ અદાલતો ના સિદ્ધાંતો ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલ જે તમામ ધ્યાને લઈ આરોપી હિમાંશુ કાંતિલાલ ઠેસીયાને નામદાર ચીફ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. ડબલ્યુ, વાઘ એક વર્ષ અને છ માસની સજા તથા ચેક ની રકમ રૂૂ.24,00,000/- ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને ન ચુકવે તો વધુ છ માસની સજા તથા રૂૂપિયા પાંચ હજાર દંડ પેટે કોર્ટમાં જમા કરાવવાનો આદેશ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી નટવરલાલ પરબતભાઈ ઠેસીયા વતી ધોરાજીના એડવોકેટ ચંદુલાલ એસ. પટેલ નયન આર. રંગોલીયા અને ટીંકુબેન આર. પટેલ રોકાયેલા હતા.