12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શાપરમાં માતાએ વેફર લેવા પાંચ રૂપિયા આપ્યા અને પુત્રી ચોકલેટ લઈ ઘરે આવતા પૂછપરછમાં ભાંડો ફૂટ્યો’ તો
રાજકોટ નજીક શાપર-વેરાવળમાં રહેતી 12 વર્ષની તરુણીને માતાએ વેફર લેવા પાંચ રૂપિયા આપ્યા હતાં પરંતુ પુત્રી ઘરે ચોકલેટ લઈને આવ્યા બાદ માતાએ ચોકલેટ અંગે પુછપરછ કરતા માસુમ બાળકીએ એક શખ્સે ચોકલેટ આપી દુષ્કર્મ આચર્યુ હોવાની આપવીતી વર્ણવી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદના આધારે ઝડપાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના શાપર-વેરાવળમાં રહેતા પરિવારની 12 વર્ષની તરુણીને તેની માતાએ વેફર લેવા માટે પાંચ રૂપિયા આપ્યા હતાં.
અને તરુણી ચોકલેટ લઈને ઘરે આવી હતી. જેથી માતાને શંકા જતાં મે તને પાંચ રૂપિયા આપ્યા હતાં છતાં વધુ રકમની ચોકલેટ ક્યાંથી લાવી તે અંગે પુછપરછ કરી હતી. જે પુછપરછ દરમિયાન તરુણીએ ચોકલેટ શાપર-વેરાવળમાં શાંતિધામ ગેઈટ પાસે અક્ષર રેસીડેન્સીમાં રહેતા રોહિત મનીષ વાઘેલાએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. અને અગાઉ પણ રોહિત વાઘેલાએ પોતાના ઘરે બોલાવી બે વખત શરીર સબંધ બાંધ્યો હોવાની આપવીતી માતા સામે વર્ણવી હતી. જે અંગે ભોગ બનનાર બાળાની માતાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં રોહિત મનીષ વાઘેલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી રોહિત વાઘેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કે, ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષની રજૂઆત બાદ ભોગ બનનાર અને તેની માતાની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવા અને સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં વાવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ ગોંડલ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ 12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર રોહિત વાઘેલાને તક્સીરવાન ઠેરવી 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયા રોકાયા હતાં.