સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગર જિલ્લા માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેણીને ભગાડી લઈ જઇ તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો જે અંગેના કેસમાં અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.12 હજારના દંડનો આદેશ કર્યો છે.
જામનગર જિલ્લામાં રહેતા એક પરિવારની 13 વર્ષની સગીર વયની પુત્રીને કાલાવડ પંથક માં વાડી વિસ્તારમાં રહેતા પંકજ તેરસિંગ બારિયા નામના 22 વર્ષના યુવાનએ મિત્રતા કેળવી હતી. આ સગીરાને કાલાવડના નિકાવા બસ ડેપો પાસે બોલાવી તેણીને બસ મારફત 3/12/2018ના રાજકોટ, અમદાવાદ, સલાટપુર વગેરે ગામે જઇ ત્યાં સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા, અને આરોપી ને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ વી પી અગ્રવાલ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષે 10 સાહેદો તપાસવામાં આવ્યા હતા, ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી પંકજ તેરસિંગ બારિયાને 20 વર્ષની સજા અને રૂૂપિયા 12 હજારનો દંડ તેમજ ભોગ બનનારને રૂૂ.ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.