રાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પ્રેમીએ સગર્ભાને પતિની નજર સામે જ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી’તી
રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે સગર્ભાને પતિની નજર સામે જ ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પૂર્વ પ્રેમીએ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી હતી. જે હત્યા કેસમાં અદાલતે સગર્ભાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી પૂર્વ પ્રેમીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં પંચાયતનગર વિસ્તારમાં આવેલા રવિ પાર્કમાં રહેતી સવિતાબેન પંકજભાઈ ચાવડા અને તેના પતિ પંકજભાઈ હરેશભાઈ ચાવડા બપોરના સમયે પોતાના ઘરે જમતા હતાં ત્યારે ઉત્તરપ્રદેશના ગોરખપુરનો વતની અને સવિતાબેન ચાવડાનો પૂર્વ પ્રેમી આકાશ રામાનુજ મોરીયા તમંચા સાથે ધસી આવ્યો હતો. આકાશ મોરીયાએ ઝઘડો કરી પૂર્વ પ્રેમીકા એવી સગર્ભા સવિતાબેન ચાવડા ઉપર દેશી તમંચામાંથી ફાયરીંગ કર્યુ હતું. ગંભીર રીતે ઘવાયેલા સવિતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. બાદમાં કેસ ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ સંજયભાઈ વોરા દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટના અધિક સેશન્સ જજ કે.એ.શાહે સગર્ભાને ભડાકે દઈ હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પૂર્વ પ્રેમી આકાશ મોરીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.