હત્યાની કોશિષના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે દુકાન, ઘર ઉપર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ગુનો નોંધાયો’તો
રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે ચાર વર્ષ પૂર્વે પાન ફાકીના ધંધાર્થી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અદાલતે આરોપીને 10-વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ રાજકોટમાં વર્ષ મોરબી રોડ જકાતનાકા પાસે ડીલકસ પાન નામની દુકાન ધરાવતો મેરૂૂ માધાભાઈ શિયાળ પોતાની દુકાનમાં પોતાના થડા ઉપર બેઠો હતો. ત્યારે પિન્ટુ ધીરુભાઈ મકવાણા (ઉ.વ.28) દુકાને આવ્યો હતો. અને થડા ઉપર બેઠેલ મેરૂૂને છરી વતી ઉપરા ઉપરી ચાર ઘા માર્યા હતા. હુમલામાં ઘવાયેલા દુકાનદારને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાખોર પિન્ટુ મકવાણા વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષની રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી અધિક સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આરોપી પિન્ટુ ધીરુભાઈ મકવાણાને 10-વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.