8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 8 વર્ષની બાળકીને પાડોશમાં રહેતાં 55 વર્ષના ઢગાએ નાસ્તો આપવાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યાની પોલીસે દફતરે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતાં અદાલતે આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં જ રહેતાં 55 વર્ષના ઢગા અશોક નટુભાઈ પોરીયા નામના શખ્સે માસુમ બાળકીને નાસ્તો આપવાની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. ઢગાની દાનત બગડતાં બાળકીને શારીરિક અડપલા કર્યા હતાં.
આ અંગે બાળકીએ પરિવાર સમક્ષ આપવીતી વર્ણવતાં બાળકીના પરિવાર દ્વારા અશોક પોરીયા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં તા.1-11-2021નાં રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અશોક પોરીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતાં અદાલમતાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા પર આવતાં પ્રોસિકયુશન દ્વારા ફરિયાદીની કોર્ટમાં સોગંધ ઉપર જુબાની લેવામાં આવી હતી અને તેમની જુબાનીમાં તેઓએ જે ફરિયાદ કરેલી તે બાબતની જુબાની આપી હતી. તેમજ તેમની ભોગ બનનાર પુત્રી સાથે જે બનાવ બનેલ તે અંગેની જુબાની આપેલ હતી.
ત્યારબાદ ભોગ બનનાર બાળકીની કોર્ટમાં વલ્નરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરમાં બાળકીની જુબાની લેવામાં આવી હતી અને બાળકીએ પણ પોતાની જુબાનીમાં તેણી સાથે શારીરિક અડપલા થયા હોવાની જુબાની આપી હતી અને આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ ઉપરાંત સરકારી વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતાં. બાદમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ પી.એસ.બ્રહ્મભટ્ટે આરોપી અશોક પોરીયાને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતાં.