છેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટ
ઉછીના નાણાંની સિક્યુરિટીમાં નકલી દાગીના દ્વારા છેતરપિંડીની ફરિયાદમાં ચાર્જશીટ બાદ ચાર્જમાં કલમ ઉમેરો કરવાની રિવિઝન અરજી સેશન્સ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, ફરિયાદી મનોજસિંહ કાળુભા જાડેજા દ્વારા તારીખ. 19/ 06/ 2022ના રાજકોટ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં પોતે જયેન્દ્રસિંહને રૂૂા. 21.50 લાખ ધંધાના વિકાસ માટે આપેલ હોય બાદ નાણા પરત કરવામાં ગલ્લા તલ્લા કરતા હતા. બાદમાં સોનાના દાગીના હોવાનું જણાવી સિક્યુરીટી પેટે આપ્યા હતા.
જે અંગે શંકા જવાથી ચેક કરાવતા જે સોનાના નહિ હોવાનું ખબર પડતા જયેન્દ્રસિંહ જાડેજાએ પૈસા પરત નહિ આપી ગુન્હાહિત કાવતરું રચી ફરિયાદી સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી ગાળો આપી બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ નોંધાવી હતી. જે ફરિયાદ અંગે કોર્ટમાં ચાર્જશીટ બાદ આરોપી જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સામે પોલીસની દાગીના અંગે હોલમાર્ક કાયદા ભંગ અંગે આઈ.પી.સી કલમ 465, 466, 467, 468,471 મુજબની કલમનો ઉમેરો કરવાની અને આંક 21થી ચાર્જમાં ઉમેરો કરવાની અરજી નામંજુર થયા બાદ ફરિયાદી દ્વારા સેશન્સ કોર્ટમાં આંક 21વાળા હુકમ સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. જે અરજી પણ સામાવાળાના વકીલની દલીલો બાદ રદ કરવામાં આવી હતી.
હાલના કામે સામાવાળા/આરોપી તરફે બલરામ એસ. પંડીત, મોતીભાઈ એન. સિંધવ, ધારા એસ. પંડીત, વંદના જે. ગૌસ્વામી આરોપી વતી એડવોકેટ તરીકે રોકાયા હતા.