નાના ભાઈની પત્ની ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં જેઠની જામીન અરજી ફગાવતી કોર્ટ
પતિ ઝઘડો કરી ભાગી જતા પરિણીતાને બે શખ્સોએ સમાધાનની લાલચ આપી હવસનો શિકાર બનાવી’તી
વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે પત્નિ સાથે ઝઘડો કરી ઘર મૂકી નાશી ગયેલા યુવકની પત્નિને સમાધાન કરાવી આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા જેઠની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ વિંછીયા નજીક આવેલા નાનામાત્રા ગામે રહેતી પરિણીતાએ જેઠ રમેશ ખીમા ખાવડું અને પ્રકાશ જેન્તી પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેની વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરિણીતાને માથાકૂટ થતા પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હોય ત્યારે જેઠ રમેશ ખીમા ખાવડુંએ ભાઇને સમજાવીને ઘરે પરત લઇ આવવાની વાત કરી જેઠ રમેશ ખીમાએ દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે પ્રકાશ જેન્તી પરમાર નામના શખ્સે છૂટાછેડા થઇ જશે તો હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહીને દુષ્કર્મ આચર્યું હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. બાદ જેલ હવાલે રહેલા રમેશ ખીમાએ જામીન પર છૂટવા રાજકોટની કોર્ટમાં અરજી કરી હતી.
જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ બીનલબેન રવેશીયાએ જામીન અરજીનો વિરોધ કરી સમાજ વિરોધી કૃત્ય હોય આવા લોકોને જામીન આપવામાં આવશે તો સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધશે તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ ન્યાયધીશ ટી.એસ. બ્રહ્મભટ્ટે રમેશ ખીમાની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ સરકાર તરફે એપીપી બીનલબેન રવેશીયા હાજર રહ્યા હતાં.
