લવજેહાદ પ્રકરણમાં વિધર્મીની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમાં અભ્યાસ કરતી ગોંડલ પંથકની કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના લવજેહાદના પ્રકરણમાં વિધર્મી શખ્સની વધુ એક રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકની વતની અને રાજકોટમાં અભ્યાસ કરતી 22 વર્ષીય કોલેજિયન યુવતીને છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા મહોમદ અખ્તર ડેલા નામના શખ્સનો સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા. મહમદ ડેલા રાજકોટમાં નોકરી કરતો હોવાથી એક દિવસ મળવાના બહાને યુવતીને શહેરની એક હોટેલમાં બોલાવી હતી, જ્યાં મહોમદ ડેલાએ બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધેલ હતો.
તેમજ પોતાના મોબાઈલમાં ફોટા તથા વીડીયો ઉતારેલ હતા. ઉપરાંત ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલા અવારનવાર ફોન ઉપર યુવતિના ફોટા અને વીડીયો તેના કુટુંબીજનોને મોકલી વાઈરલ કરવાની ધમકીઓ આપીને બ્લકેમેઈલ કરતો હતો. મહોમદ ડેલાની માગ વધતી જતાં કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને આપવીતી વર્ણવ્યા બાદ યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપીએ જેલ મુક્ત થવા ચાર્જશીટ બાદ ફરીથી જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી મહોમદ અખ્તર અબ્દુલભાઈ ડેલાની ચાર્જશીટ પછીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત કલોલા અને મુળ ફરીયાદી વતી એડવોકેટ ચેતન વિઠલાપરા રોકાયા હતા.