મેસન કલબ ક્રેડિટ સોસાયટીના ચેરમેનની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
મેસન કલબ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતી યુવતીને 50 ટકાના ભાગીદાર બનાવવા અને લગ્નની લાલચ આપી ભાડા કરારમાં સહિ કરવાનું કહી મૈત્રી કરારમાં સહિ કરાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં મેસન કલબ ક્રેડીટ સોસાયટીના ચેરમેનની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે.
રાજકોટ શહેરની ભાગોળે રહેતી 27 વર્ષીય શિક્ષિત યુવતિ સંબંધીની દિકરીના સાસરે માતાજીનો માંડવામાં પરિવાર સાથે ગઈ હતી. ત્યારે એક સબંધીને યુવતીએ કહ્યું હતું કે મે એમ.કોમ.સુધીનો અભ્યાસ કર્યો છે. કોઈ નોકરી હોય તો કેજો કહી બાદમાં નંબરની આપ લે કરી હતી. બાદમાં તેણીના સગાએ વૈશાલીનગરમાં રહેતા અને મેસન કલબ ક્રેડીટ સોસાયટીના ચેરમેન પરાગ અનિલભાઈ સોલંકીને તમામ ડોકયુમેન્ટ લઈ મળવા આવવા કહ્યું હતું. બાદમાં શખ્સે તેણીનું ઓફિસમાં ઈન્ટરવ્યુ લઈ 11 માસના કરાર પર નોકરી માટે સિલેકટ કરી માસિક રૂૂ.8 હજાર પગાર નકકી કર્યો હતો. બાદ બાદમાં પરાગ સોલંકીએ યુવતી સાથે મિત્રતા કેળવી મારે જૂનાગઢમાં મંડળીની ઓફિસ ચાલુ કરવી છે તેમાં તને 50 ટકા ભાગ આપીશ તેમ કહી તુ મને ગમે છો મારે લગ્ન કરવા છે. તેમ કહ્યું હતું.
બાદ તેણીને ભાડા કરારમાં સહિ કરવાનું કહી મૈત્રી કરારમાં સહિ કરાવી લઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરાગ સોલંકીએ અન્ય મંડળીની ઓફિસમાં કામ કરતી યુવતિને પણ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હોવાનું યુવતીને જાણવા મળેલ જેથી તે અંગે પૂછપરછ કરતા તેણીને ધાક-ધમકી આપતો હોવાથી કંટાળી ગાંધીગ્રામ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરાગ સોલંકીએ પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા કોર્ટે મેસન કલબ ક્રેડીટ સોસાયટીના ચેરમેન પરાગ સોલંકીની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ અનિલભાઈ એલ. ટીમાણીયા અને સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયા હતા.