હત્યાની કોશીશના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલત
રાજકોટમાં નાણાવટી ચોકમાં મશકરીમાં સળગતી દીવાસળી યુવાન ઉપર ફેંકી છરી વડે હુમલો કરવાના કેસમાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાયલ કોર્ટમાં હાજર નહિ રહેતા આરોપીની ધરપકડ કરી ફરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે ખુનની કોશીષના ગુનામા ટ્રાયલ કોર્ટે આરોપીની શરતી જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ રૈયા રોડ ઉપર બસીરા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી હિરેનભાઈ કાનાભાઈ ડોડીયા રાત્રીના દશેક વાગ્યે નાણાવટી ચોક પાસે આવેલ આશાપુરા પાન નામની દુકાને ફાકી ખાવા માટે ગયા હતા. ત્યારે જેનીશ મહાજને સીગરેટ સળગાવી દિવાસળી માથે ફેંકી હતી. જે અંગે સમજાવતા જેનીશ મહાજન, સુમીત ઉર્ફે સુજલ મનુભાઈ સોલંકી, અને સુનીલ ટોયટાએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે હિરેનભાઈ ડોડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવ્યો હતો.
પરંતુ જામીન મુકત થયેલો આરોપી સુમીત ઉર્ફે સુજલ સોલંકી ટ્રાયલ કોર્ટમાં હાજર રહેતા નહિ હોવાથી આરોપી સામેના અનેક વોરંટ બાદ પોલીસ દ્વારા અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષના વકીલોની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.